પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત બાયોટેકની વેક્સિનના નિયંત્રિત ઉપયોગને મંજૂરી આપવાના નિર્ણય સામે કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો અને સરકારના સવાલ કર્યો હતો કે ફરજિયાત પ્રોટોકોલ અને ડેટાના વેરિફિકેશનની પ્રક્રિયા કેમ કરવામાં આવી નથી.

ગૃહ બાબતોના સંસદીય સમિતિના વડા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ જણાવ્યું હતું કે વેક્સિનના ઉપયોગને મંજૂરીના મુદ્દાની સંપૂર્ણ કાળજી રાખવી જોઇએ, કારણ કે કોઇપણ દેશે ત્રીજા તબક્કાના ટ્રાયલ અને ડેટાના વેરિફિકેશની પ્રક્રિયાને પડતી મૂકી નથી.

કોંગ્રેસના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શશિ થરૂર અને જયરામ રમેશે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય માપદંડોની અવગણના કરીને આ વેક્સિનને લીલી ઝંડી આપવામાં આવી છે. આ જોખમી સાબિત થઈ શકે છે.

શશિ થરૂરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કોવેક્સિને અત્યાર સુધી ફેઝ-3ની ટ્રાયલ પુરી કરી નથી. મંજૂરી સમય કરતા પહેલા આપી દેવાઈ છે, જે જોખમી નિવડી શકે છે. તેમણે કહ્યું કે, હર્ષવર્ધનજી મહેરબાની કરીને સ્પષ્ટતા કરો કે જ્યાં સુધી તેની ટ્રાયલ પૂરી ન થઈ જાય, તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનને મંજૂરી આપવા અંગે સવાલ ઊભા કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભારત બાયોટેક ફર્સ્ટ નંબરની કંપની છે, પણ આ વાત ચોંકાવનારી છે કે તેની વેક્સિન માટે ફેઝ-3ની ટ્રાયલ સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત પ્રોટોકોલમાં સુધારા કરાઈ રહ્યાં છે. આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનજીએ સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ.