UP Prime Minister Yogi Adityanath
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (ફાઇલ ફોટો) (Photo by LUDOVIC MARIN/AFP via Getty Images)

ભારતના બે રાજ્યો આસામ અને ઉત્તરપ્રદેશની સરકારે વસતિ નિયંત્રણ માટે નવી નીતિ બનાવી છે. રવિવારે વિશ્વ વસતિ દિને રાજ્યની નવી વસતિ નીતિ જારી કરતાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે વસતી વધારો ગરીબી અને નિરક્ષરતાનુ મોટુ કારણ છે. કેટલાક સમુદાયોમાં વસતી નિયંત્રણને લઈને જાગૃતિ નથી.

તેમણે કહ્યું હતું કે, સરકારનો ધ્યેય આ નીતિ લાગુ કરીને વધતી વસતી પર કાબૂ મેળવવાની સાથે સાથે દરેક નાગરિકના જીવનમાં ખુશી અને સમૃધ્ધિ લાવવાનો છે. નવી પોલિસી 2030 સુધી અમલમાં રહેશે. નવી નીતિના ભાગરુપે યુપીમાં જન્મદરને 2026 સુધીમાં 2.1 ટકા કરવાનો છે. હાલમાં યુપીનો જન્મ દર 2.7 ટકા છે.જે રાષ્ટ્રીય એવરેજ 2.2 કરતા વધારે છે. તેને 2030 સુધીમાં 1.9 ટકા સુધી કરવાનો છે.

રાજ્ય કાયદા પંચે તૈયાર કરેલી નવી વસતિ નિયંત્રણ નીતિના મુસદ્દા મુજબ એક બાળકની નીતિ અપનાવનારા માબાપને કેટલીય સગવડો મળશે. જો તેઓ સરકારી નોકરી કરતા હોય અને એક બાળક પછી નસબંધી કરાવે તો પ્રમોશન, સરકારી આવાસ યોજનાઓમાં રાહત જેવી ઘણી સગવડોનો ફાયદો મળશે. બે બાળકોવાળા માબાપ જો નોકરી ન કરતાં હોય તો તેમને વીજળી, પાણી, હાઉસ ટેક્સ, હોમ-લોનમાં રાહત સહિત ઘણી સગવડો આપવાની દરખાસ્ત છે. એક બાળક ધરાવનાર નસબંધી કરાવે તો તે બાળકને ૨૦ વર્ષનો થાય ત્યાં સુધી મફત સારવાર, શિક્ષા, વીમા, શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અગ્રતા આપવાની દરખાસ્ત છે.

ઉત્તરપ્રદેશ રાજ્યના કાયદાકીય પંચના મુસદ્દા મુજબ બેથી વધારે બાળકો ધરાવતા માબાપ સરકારી નોકરી માટે અરજી નહી કરી શકે. તેમને પ્રમોશનની તક પણ નહી મળે. ૭૭ જેટલી સરકારી યોજનાઓ અને ગ્રાન્ટનો લાભ પણ નહી મળે. તેની સાથે સ્થાનિક ચૂંટણી લડવા સહિત કેટલાય પ્રકારના પ્રતિબંધો મૂકવાની ભલામણ કરવામાં આવી છે.