ફ્રાન્સમાં 25 ઓગસ્ટ 2019ના રોજ યોજાયેલી G-7 સમિટ વખતનો ફાઇલ ફોટો (Photo by Jeff J Mitchell - Pool/Getty Images)

ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે બ્રિટન અને ભારત વચ્ચેના ફાઇનાન્શિયલ માર્કેટ ડાયલોગ (FMD)ની પ્રથમ વર્ચ્યુઅલ બેઠક 9 જુલાઇએ યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે ફાઇનાન્શિયલ સર્વિસ ક્ષેત્રમાં સહકારમાં વધારો કરવાની નોંધપાત્ર તક હોવા અંગે સહમતી સધાઈ હતી.

આ બેઠકમાં ચાર મુખ્ય મુદ્દા પર સહકારમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. આ ચાર મુદ્દામાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટી) સિટી, બેન્કિંગ એન્ડ પેમેન્ટ, ઇન્શ્યોરન્સ અને કેપિટલ માર્કેટનો સમાવેશ થાય છે. બેઠકની આગેવાની બ્રિટનના નાણામંત્રાલય અને ભારતના નાણામંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ લીધી હતી અને તેમાં બંને દેશોની સ્વતંત્ર નિયમનકારી એજન્સીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી), ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી, ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને ફાઇનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA)ના અધિકારીઓએ ભાગ લીધો હતો.

ગયા વર્ષે બ્રિટનના નાણા પ્રધાન રિશી સુનક અને ભારતના નાણાપ્રધાન નિર્મલા સિતારામન વચ્ચે યોજાયેલા 10મા ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ ડાયલોગ(EFD)માં બંને દેશો વચ્ચે ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રમાં સહકાર મજબૂત કરવા તથા યુકે અને ભારતની કંપનીઓ સામેના નિયમનકારી અવરોધ દૂર કરવા ફાઇનાન્શિયલ માર્કેટ ડાયલોગની રચના કરવામાં આવી હતી.

વર્ષ 2020માં બ્રિટન અને ભારત વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 18 બિલિયન પાઉન્ડ રહ્યો હતો. પ્રોજેક્ટની સંખ્યાના સંદર્ભમાં બ્રિટનમાં રોકાણનો બીજા ક્રમનો સૌથી મોટો સ્રોત ભારત છે. બ્રિટન અને ભારતના એકબીજા દેશોમાં રોકાણથી બંને દેશોના અર્થતંત્રમાં આશરે અડધો મિલિયન નોકરી ઊભી કરવામાં મદદ મળી છે.

આ વર્ષના મે મહિનામાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દાયકામાં બંને દેશો વચ્ચેનો વેપાર બમણો કરવાની મહત્ત્વકાંક્ષી યોજનાની જાહેરાત કરી હતી. બંને નેતાઓએ મુક્ત વેપાર સમજૂતી (FTA) અંગે મંત્રણા ચાલુ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનર એલેક્સ એલિસે જણાવ્યું હતું કે પ્રથમ ફાઇનાન્શિયલ માર્કેટ ડાયલોગથી ફાઇનાન્શિયલ સર્વિસ ક્ષેત્રમાં જોડાણ મજબૂત બનશે તથા યુકે અને ભારતની કંપનીઓ માટે નવી તકનું સર્જન થશે. આપણા નાણા પ્રધાનોના આગામી ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ ડાયલોગ પહેલા આપણે મજબૂત પ્રગતિ કરી છે.