ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત દેશમાં પરત લાવવા માટે ભારતીય હવાઇદળને મિશન ગંગામાં સામેલ થવાની સૂચના આપી છે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન ભારતીય દૂતાવાસે યુક્રેનની રાજધાની કીવમાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક શહેર છોડી દેવાની સલાહ આપી છે.

એરફોર્સ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓને ઝડપથી બહાર કાઢી શકે છે. નોંધપાત્ર છે કે ભારતે સોમવારે ચાર કેન્દ્રીય પ્રધાનોને યુક્રેનના પડોશી દેશોમાં વિદ્યાર્થીઓની મદદ કરવા અને તેમને યુક્રેનમાંથી સહિસલામત બહાર લાવવા માટે દરેક પ્રકારે સહાયભૂત થવા માટે મોકલવાનો નિર્ણય કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે હવાઈ દળના વિમાનોના ઉમેરા સાથે ભારતીયોના પરત આવવાની પ્રક્રિયા ઝડપી બનશે અને તેમની સંખ્યામાં પણ વધારો થશે. આ સાથે જ ભારતથી મોકલવામાં આવી રહેલી રાહત સામગ્રી પણ ઝડપથી પહોંચશે. ઓપરેશન ગંગા હેઠળ ભારતીય વાયુસેનાના કેટલાય C-17 વિમાનો આજે ઉડાન ભરવાનું શરૂ કરી શકે છે.

કેન્દ્ર સરકારે સોમવારે નિર્ણય કર્યો કે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને વીકે સિંહ આ અભિયાનનું સંકલન કરવા અને વિદ્યાર્થીઓને મદદ કરવા પડોશી યુક્રેન પહોંચ્યા છે. સિંધિયા યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે રોમાનિયા અને મોલ્ડોવા સાથે સંકલન કરશે, જ્યારે રિજિજુ સ્લોવાકિયા જશે. પુરી હંગેરી ગયા છે અને જનરલ (આર) વીકે સિંહ ભારતીયોને બહાર કાઢવાની વ્યવસ્થા કરવા પોલેન્ડ પહોંચ્યા છે.