અમેરિકન એરફોર્સના કમાંડરે ચીન દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોને એક પ્રકારનો પ્રચાર ગણાવ્યો છે. તાજેતરમાં ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી એરફોર્સ (PLAAF) દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં અણુ હુમલો કરવામાં સક્ષમ એચ-6 બોમ્બર્સને ગ્વામમાં અમેરિકન એરફોર્સ પર બોંબ ફેંકતા દેખાડવામાં આવ્યા છે. ગ્વામમાં અમેરિકન એરફોર્સનું એન્ડરસન એરબેઝ છે. આ વીડિયો જાહેર થયા પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. આ અંગે અમેરિકન કમાન્ડરે પ્રતિક્રિયા પણ આપી છે.

એન્ડરસન એરફોર્સ બેઝના કમાંડરે શુક્રવારે જણાવ્યું હતું કે, ચાઇનિઝ એરફોર્સે ફરતા કરેલા આ વીડિયોમાં તેમના સંસ્થાનો પર હુમલો થતો બતાવાયો છે. તે જોયા પછી એવું લાગે છે કે, PLAAF એ આ વીડિયો મજબૂરીવશ બનાવ્યો છે અને તેમનો ઇરાદો દુશ્મની વધારવાનો હતો. ગ્વામ પાસે અત્યારે અમેરિકન સેનાની મિલિટરી કવાયત થઇ રહી છે. એન્ડરસનના કમાંડર બ્રિગેડિયર જનરલ જર્મી ટી સ્લોએને મીડિયાને જણાવ્યું હતું કે, મને હંમેશા મારા સર્વિસ મેમ્બર્સ અને તેમના પરિવારોને સુરક્ષિત રાખવાની ક્ષમતા અંગે ચિંતા રહે છે. વીડિયોમાં જણાય છે કે, ચીન આપણા અભ્યાસના ટાઇમિંગ જાણે છે. જોકે, સરકારે આ વીડિયો અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી. કહેવાય છે કે, આ વીડિયોમાં કેટલાક દૃશ્યો તો હોલીવૂડની ફિલ્મો જેવી કે, ‘ટ્રાન્સફોર્મસઃ રીવેન્જ ઓફ ધ ફોલન’માંથી લેવામાં આવ્યા છે. ચીનની સોશિયલ મીડિયા સાઇટ વેઈબો પર આ વીડિયો 19 સપ્ટેમ્બરે રીલીઝ કરવામાં આવ્યો છે અને હવે વિશ્વભરમાં તેની મજાક ઉડી રહી છે. અમેરિકન એરફોર્સની આ કવાયતને વેલિયંટ શિલ્ડ ડ્રિલ નામ આપવામાં આવ્યું છે અને તે સપ્ટેમ્બરના મધ્યમાં શરૂ થઇ હતી.