અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઈડને ક્લાઇમેટ ચેન્જ મુદ્દે ચર્ચા એક સમિટનું આયોજન કર્યું છે જેમાં 40 દેશના નેતાઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતનો પણ સમાવેશ થાય છે. 22-23 એપ્રિલે યોજાનારી સમિટમાં ક્લાઈમેટ ચેન્જ અને તેના માટેના આયોજનો અંગે ચર્ચા થશે.
આ સમિટ ઓનલાઇન યોજાશે અને તેનું જીવંત પ્રસારણ કરાશે. વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, નવેમ્બરમાં ગ્લાસગો ખાતે યોજાનાર યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP26)ની દિશામાં આ એક મહત્વનું પગલું હશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપરાંત ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ, રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન, જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા, બ્રાઝિલના પ્રેસિડેન્ટ જેયર બોલ્સેનારો, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ, સાઉદી અરબના કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદ અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત બાંગલાદેશના વડાપ્રધાન શેખ હસીના અને ભૂતાનના વડાપ્રધાન લોટે શેરિંગને પણ સમિટ માટે નિમંત્રણ અપાયું છે. જો બાઈડને આમંત્રણમાં નેતાઓને આગ્રહ કર્યો હતો કે તેઓ શિખર સંમેલનનો ઉપયોગ તેમના દેશ કોઈ મજબૂત પર્યાવરણ માટે કરે. બાઈડને અન્ય દેશોના નેતાઓને પણ નિમંત્રણ આપ્યું છે જે મજબૂત પર્યાવરણ માટે નેતૃત્વ કરી રહ્યા છે. બે દિવસીય શિખર સંમેલનમાં ક્લાઇમેટ ચેન્જની અસરોથી જનજીવનનું રક્ષણ કરવાની ક્ષમતાને મજબૂત કરવાના વિકલ્પો અંગે ચર્ચા થશે.