અમેરિકામાં કોરોના વાઇરસ રૌદ્રરૂપ ધારણ કરી રહ્યો છે. મંગળવારે છેલ્લા ચોવીસ કલાકમાં અમેરિકામાં કોરોના વાઇરસના બે લાખથી વધુ કેસ નોંધાયા હતા, એમ જ્હોન હોપપિક્સ યુનિવર્સિટીના ડેટામાં જણાવવામાં આવ્યું હતું. જો બિડેન સત્તાનાં સૂત્રો સંભાળે ત્યારે કોરોના વાઇરસ સૌથી મોટો મુદ્દો બની રહેવાની ધારણા છે. સિરદર્દ આ મુદ્દે એમને થશે.

મંગળવારે કોરોના વાઇરસના નવા કેસના અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 201,961 કેસ નોંધાયા હતા. તેનાથી અમેરિકામાં કુલ કેસ 10,238,243 કેસ થયા હતા. કુલ મૃત્યુઆંક વધીને 239,588 થયો હતો. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 1,535 લોકોના મોત થયા હતા.
નિષ્ણાતો માને છે કૈ આવી રહેલો શિયાળો અમેરિકામાં કોરોનાની બીજી લહેરને વધુ ઘાતક બનાવશે અને વધુ લોકો કોરોનાગ્રસ્ત થઇને જાન ગુમાવશે. ટ્રમ્પ અત્યારે પોતાનું સમેટી લેવામાં વ્યસ્ત રહેવાથી કોરોનાની બીજી લહેરને ડામવામાં ઉત્સાહ નહીં દાખવે. જો બિડેન સત્તાનાં સૂત્રો ગ્રહણ કરે ત્યાં સુધીમાં આ મુદ્દે ઘણું મોડું થઇ ગયું હશે. વિશ્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વ્હૂ)એ પણ અમેરિકામાં વધી રહેલા કોરોનાના કેસ અને કોરોનાની બીજી લહેરના મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.