
ભારતીય માલ પર અમેરિકાની કુલ 50 ટકા ટેરિફનો બુધવાર, 27 ઓગસ્ટથી અમલ થયો છે. આનાથી ભારતની આશરે 48 અબજ ડોલરની નિકાસને ફટકો પડશે.
અમેરિકાએ મંગળવારે ભારતીય માલ પર વધારાની 25% ડ્યુટી લાગુ કરતું નોટિફિકેશન જારી કર્યું હતું. જોકે આ ટેરિફમાં ભારતની ફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની નિકાસને માફી મળશે.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)ની નોટિસ અનુસાર આ ટેરિફ ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, લેધર, મશીનરી, ફર્નિચર અને મરીન પ્રોડક્ટ્સ સહિતના મોટાભાગના ક્ષેત્રોને લાગુ પડશે. જોકે સ્ટીલ, તાંબુ અને એલ્યુમિનિયમ જેવી કેટલીક પ્રોડક્સ તથા ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ્સ જેવા ક્ષેત્રો (SUV અને સેડાન જેવા પેસેન્જર વાહનો)ને મુક્તિ અપાઈ છે.
રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર દંડ તરીકે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાની 25 ટકા ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર 6 ઓગસ્ટ 2025ના રોજ હસ્તાક્ષર કર્યા હતા. આ આદેશનો હવે અમલ થશે.
CBPએ સ્પષ્ટતા કરી છે કે 27 ઓગસ્ટે ઇસ્ટર્ન ડેટાઇમ 12:01 વાગ્યાથી ભારતની પ્રોડક્ટ્સ પર ટેરિફ લાગુ પડશે. અમેરિકાની આ ઊંચી ટેરિફથી ભારતના નિકાસકારોના પ્રોફિટ માર્જિનને ફટકો પડવાની અને અમેરિકામાં નિકાસ ઘટી જવાની ધારણા છે. વાણિજ્ય મંત્રાલયે નિકાસકારોને ખાતરી આપી છે કે સરકાર તેમને વૈશ્વિક અનિશ્ચિતતાઓથી બચાવવા માટે તમામ શક્ય પગલાં લેશે. જોકે ભારત સરકારે અત્યાર સુધી અમેરિકા સામે કોઇ વળતા પગલાં લીધા નથી.
30 જુલાઈએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત પર 25% ટેરિફની જાહેરાત કરી હતી. તે સમયે તેમણે 90થી વધુ દેશો સામે ટેરિફની જાહેરાત કરી હતી. એક અઠવાડિયા પછી 6 ઓગસ્ટના રોજ, તેમણે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી માટે ભારત પર વધુ 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. તેનાથી ભારત પરની કુલ ટેરિફ 50 ટકા થઈ છે.
