યુક્રેન પર રશિયાના હુમલા પછી યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલની મીટિંગમાં રશિયા સામે થયેલા મતદાનમાં ભારત ગેરહાજર રહ્યું હતું. જોકે, આ અંગે અમેરિકાના બિડેન એડમિનિસ્ટ્રેશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારતના રશિયા સાથે મજબૂત સબંધો છે, ખાસ તો સુરક્ષાના ક્ષેત્રમાં, પણ ભારતના રશિયા સાથેના સબંધો અમેરિકાના રશિયા સાથેના સબંધો કરતા અલગ છે અને તે કોઈ મહત્ત્વની વાત નથી. વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતું કે, ભારત સાથે અમેરિકાનુ મહત્વનું હિત જોડાયેલુ છે અને અમે જાણીએ છે કે, ભારતના રશિયા સાથેના સબંધો અલગ છે પણ અમે દરેક દેશને કહ્યું છે કે, જો તમારા રશિયા સાથે સંબંધ હોય તો તેનો ઉપયોગ રચનાત્મક રીતે કરો. આથી અમેરિકાએ એવા સંકેત આપ્યા હતા કે, ભારત રશિયા સાથે સંબંધો ધરાવે છે તો તેનો ઉપયોગ રશિયાના હુમલાને રોકવા માટે શકય હોય તો કરવો જોઇએ.