REUTERS/Dado Ruvic/Illustration

અમેરિકા અરુણાચલપ્રદેશને ભારતીય વિસ્તાર તરીકે માન્યતા આપે છે અને ચીન દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખા પર તેના પ્રાદેશિક દાવાઓને આગળ વધારવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસોનો સખત વિરોધ કરે છે, એમ બાઇડન સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. ચીનની મિલિટરીએ અરુણાચલ પર પોતાના દાવાનો પુનરુચ્ચાર કર્યા પછી અમેરિકાના આ નિવેદનથી ભારતને મોટું સમર્થન મળ્યું છે.

અમેરિકાના નિવેદનનો વિરોધ કરતાં ચીને ગુરુવારે કહ્યું હતું કે તે અરુણાચલપ્રદેશને ભારતીય વિસ્તાર તરીકે અમેરિકાની માન્યતાનો સખત વિરોધ કરે છે અને વોશિંગ્ટનને ભારત-ચીન સરહદ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી.
બુધવારે તેમની દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા અમેરિકાના વિદેશ વિભાગના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે “યુનાઇટેડ સ્ટેટ્સ અરુણાચલપ્રદેશને ભારતીય ક્ષેત્ર તરીકે માન્યતા આપે છે અને અમે વાસ્તવિક નિયંત્રણ રેખાની પેલે પાર આક્રમણ કે અતિક્રમણ મારફત પ્રાદેશિક દાવાઓને આગળ વધારવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસોનો સખત વિરોધ કરીએ છીએ.”

ભારતે અરુણાચલપ્રદેશ પર ચીનના પ્રાદેશિક દાવાઓને વારંવાર નકારી કાઢ્યા છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે રાજ્ય દેશનો અભિન્ન હિસ્સો છે અને રહેશે. નવી દિલ્હીએ આ વિસ્તારને નવા નામો આપવાના બેઇજિંગના પગલાને પણ નકારી કાઢતા જણાવ્યું હતું કે નામ બદલવાથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી.

આ સપ્તાહની શરૂઆતમાં ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ ઝાંગ ઝિયાઓગાંગે જણાવ્યું હતું કે ઝિઝાંગ (તિબેટ માટે ચાઇનીઝ નામ)નો દક્ષિણ ભાગ ચીનના પ્રદેશનો સહજ ભાગ છે અને બેઇજિંગ કહેવાતા અરુણાચલપ્રદેશ પર ભારતના ગેરકાયદેસર દાવાને ક્યારેય માન્યતા આપતું નથી અને તેનો વિરોધ કરે છે.

 

LEAVE A REPLY

1 × two =