અમેરિકામાં વસવાટ કરી રહેલા ભારતીય સહિતના વિદેશી નાગરિકોને અસર કરે તેવું એક મલ્ટિ-ટ્રિલિયન ડોલર ટેક્સ બ્રેક્સ પેકેજ તથા રેમિટન્સ પર પાંચ ટકા ટેક્સ લાદતું બિલ હાઉસ ઓફ રીપ્રેન્ઝેન્ટેટિવ્ઝમાં પસાર થયું છે. જોકે આ બિલ 215 વિરુદ્ધ 214ની અત્યંત પાતળી સરસાઈથી જ પસાર થયું હોવાને કારણે તેને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નિષ્ફળતા માનવામાં આવે છે. અમેરિકામાં શાસક પક્ષ રીપબ્લિકન્સના જ બે સાંસદો બિલનો વિરોધ કરવામાં ડેમોક્રેટસ સાથે જોડાયા હતા. ‘વન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટ’ નામ સાથે જાણીતા આ બિલમાં ટેક્સ કાપ અને ઇમીગ્રેશન સંબંધિત કડક જોગવાઇઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બિલને પસાર કરવામાં ટ્રમ્પ અને તેમના સાંસદોને આકરી કસોટીનો સામનો કરવો પડ્યો હતો. હવે આ બિલ મંજૂરી માટે સેનેટમાં જશે, જ્યાં તેમની પાસે બિલની જોગવાઇઓને મંજૂર કરવા અથવા તેમાં ફેરફારની સત્તા મળશે. જોકે, ટ્રમ્પના સાથીઓ આ બિલ પસાર થવાને એક સફળતા માની રહ્યા છે અને તેમણે તેની ઉજવણી પણ કરી હતી. આ બિલની જોગવાઇ મુજબ ઓવરટાઇમ વર્ક અને ટિપ્સ પર ટેક્સને હંગામી ધોરણે નાબૂદ કરે છે. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આ બંને મુદ્દે વચનો આપ્યા હતા.

આ ઉપરાંત આ બિલમાં ખર્ચમાં નોંધપાત્ર કાપ મુકવામાં આવ્યો છે. જેમાં ઓછી આવક ધરાવતા અમેરિકનો માટે મેડિકેડ હેલ્થકેર પ્રોગ્રામ તેમજ 4.2 કરોડથી વધુ અમેરિકનો દ્વારા ઉપયોગમાં લેવાતા ફૂડ સહાય કાર્યક્રમ સ્નેપનો સમાવેશ થાય છે. જોકે રીપબ્લકનોમાં જ આ મામલે ભારે વિરોધ હતો. જોકે ટ્રમ્પે ખાનગીમાં સાંસદોને દબાણપૂર્વક સમજાવી દીધું કે તેઓ તેમના વાંધાઓ બાજુએ મુકી દે અથવા પરિણામો માટે તૈયાર રહે.

ડેમોક્રેટ્સે બિલનો આકરો વિરોધ કર્યો હતો અને ચેતવણી આપી હતી કે કાપને કારણે ઓછી આવક ધરાવતાં કરોડો અમેરિકનોને વધુ નકસાન કરશે. ન્યૂયોર્કના એક ડેમોક્રેટ્સ માઇનોરિટી લીડર હકીમ જેફરીઝે જણાવ્યું હતું કે ‘આવી જોગવાઇથી બાળકોને અસર થશે. નર્સિંગ હોમ કેસ અને હોમ કેર માટે મેડિકેડ પર આધાર રાખવા વૃદ્ધ અમેરિકનોનું જીવન દુશ્કર બનશે.’ જોકે, આ કાયદાથી આગામી નાણાકીય વર્ષમાં યુએસના દેવામાં $5.2 ટ્રિલિયનનો ઉમેરો થવાનો અને બજેટ ખાધમાં લગભગ $600 બિલિયનનો વધારો થવાનો અંદાજ છે.

LEAVE A REPLY