The biggest rise in interest rates in 33 years
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાની બે બેન્કોના પતન પછી પણ અમેરિકાની ફેડરલ રિઝર્વે બુધવાર, 22 માર્ચે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો, પરંતુ હવે તે નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં વધારા પર પૂર્ણવિરામ મૂકશે તેવો સંકેત આપ્યો છે.

બીજી તરફ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ(BoE)ને પણ ગુરુવારે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. દેશની ધીમી આર્થિક વૃદ્ધિ અંગેના ભાવિ અંગે વધુ આશાવાદ વ્યક્ત કરીને સેન્ટ્રલ બેન્કની નવ સભ્યોની સમિતિએ બેન્ક રેટને વધારીને 4.25 ટકા કરવા માટે 7-2ની તરફેણમાં નિર્ણય કર્યો હતો. ડિસેમ્બર 2021માં વ્યાજદરમાં વધારો શરૂ કર્યા પછી આ 11મો વધારો છે. જોકે ગયા વર્ષના જૂન પછીથી સૌથી નાનો રેટહાઇક છે.

મોનેટરી પોલિસી કમિટીના સભ્યો સ્વાતી ઢિંગરા અને સિલ્વાના ટેનરેયરોએ વ્યાજદરને સ્થિર રાખવાની તરફેણ કરી હતી. BoE એ ગુરુવારે બેંકિંગ કટોકટીને કારણે વિશ્વભરના નાણાકીય બજારોમાં મોટી વોલેટિલિટીની નોંધ લીધી હતી, પરંતુ જણાવ્યું હતું કે તેની નાણાકીય નીતિ સમિતિએ નિર્ણય કર્યો હતો કે બ્રિટનની બેંકિંગ સિસ્ટમ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે. MPC પરિવારો અને વ્યવસાયો દ્વારા સામનો કરવામાં આવતી ધિરાણની સ્થિતિ અને તેથી મેક્રો ઇકોનોમિક અને ફુગાવાના દૃષ્ટિકોણ પરની અસર પર નજીકથી દેખરેખ રાખવાનું ચાલુ રાખશે.

અમેરિકામાં વ્યાજદરમાં આ નવા વધારા સાથે યુએસ સેન્ટ્રલ બેન્કનો બેન્ચમાર્ક ઓવરનાઇટ ઇન્ટરેસ્ટ રેટ 4.75 ટકાથી 5.00 ટકાની રેન્જમાં આવ્યો છે. જોકે સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્કના અચાનક પતન પછી હવે ફેડ વ્યાજદરમાં વધારા પર લગામ મૂકશે. ફેડે 16 માર્ચ 2022થી વ્યાજદરમાં વધારો કરવાનું ચાલુ કર્યું છે.

ફેડના પોલિસી સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે અમેરિકાની બેન્કિંગ સિસ્ટમ મજબૂત છે અને તે પ્રતિકારક્ષમતા ધરાવે છે. બેન્કિંગ સિસ્ટમમાં તાજેતરના દબાણથી લોકો અને બિઝનેસ માટે ધિરાણ લેવાનું થોડું અઘરુ બનશે તથા આર્થિક પ્રવૃત્તિઓ પર અસર થશે. ફેડે હજુ એવું જાહેર કર્યું નથી કે ફુગાવા સામેની લડાઈમાં વિજય થયો છે. જોબ માર્કેટ મજબૂત હોવાનો સંકેત આપતા ફેડે જણાવ્યું હતું કે બેરોજગારી દર વર્ષના અંતે ઘટીને 4.5 ટકા થવાનો અંદાજ છે. વર્ષના અંતે ફુગાવો 3.3 ટકા રહેવાનો છે. અગાઉ 3.1 ટકાનો અંદાજ હતો.

કેલિફોર્નિયા સ્થિત SVBના 10 માર્ચના પતન અને ન્યુ યોર્ક સ્થિત સિગ્નેચર બેંકના પતનથી બેંકિંગ ક્ષેત્રના સ્વાસ્થ્ય વિશે વ્યાપક ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે અને ફેડ રેટમાં વધુ વધારો અર્થતંત્રને નાણાકીય કટોકટી તરફ દોરી શકે તેવી શક્યતા ઊભી કરી હતી.

 

LEAVE A REPLY