અમેરિકામાં જો બાઇડનના વિજયને મંજૂરીને મહોર મારવા સંસદની બેઠક ચાલુ હતી ત્યારે ટ્રમ્પના સમર્થકોએ કરેલી હિંસાથી વિશ્વભરના નેતો અને સરકારોએ આઘાત અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને સત્તાના શાંતિપૂર્ણ પરિવર્તનનો અનુરોધ કર્યો હતો.

વોશિંગ્ટનમાં થયેલી હિંસા અંગે દુઃખ વ્યક્ત કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગેરકાયદેસર દેખાવો મારફત લોકશાહીની પ્રક્રિયાને પલટી શકાય નહીં. શાંતિપૂર્ણ રીતે સત્તાનું પરિવર્તન થવું જોઇએ.
યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલના પ્રવકતાએ જણાવ્યું હતું કે સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટર્સે અમેરિકાની ઘટનાથી આઘાત લાગ્યો છે. આવા પરિસ્થિતિમાં રાજકીય નેતાઓએ હિંસાથી દૂર રહેવા અને કાયદાનું પાલન કરવા તેમના સમર્થકોને અનુરોધ કરવો જોઇએ.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ટ્વીટ કરીને અમેરિકાની સંસદની આ ઘટનાને શરમજનક ગણાવી હતી અને જણાવ્યું હતું કે વિશ્વભરની લોકશાહી માટે અમેરિકા એક આદર્શ ઉદાહરણ છે અને હવે સત્તાનું શાંતિપૂર્ણ પરિવર્તન મહત્ત્વનું છે.

જર્મનીના વિદેશ પ્રધાન હૈકો માસે જણાવ્યું હતું કે અમેરિકામાં કેપિટલ હિલમાં હિંસા લોકશાહીના દુશ્મનો પ્રેરિત છે. ઉશ્કેરણીજનક નિવેદનોને કારણે આ હિંસા થઈ છે. ટ્રમ્પે અમેરિકાના મતદાતાના નિર્ણયને સ્વીકારવો જોઇએ અને લોકશાહી સામે જોખમ ઊભું ન કરવું જોઇએ.

નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટેન્બર્ગે વોંશિગ્ટનમાં હિંસક દેખાવોને આઘાતજનક ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે અમેરિકાની ચૂંટણીના પરિણામનું સન્માન થવું જોઇએ.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું જણાવ્યું હતું કે આ ઘટનાથી અમે ચિંતિત છીએ. હું માનું છું કે અમેરિકાની લોકશાહી મજબૂત છે અને ટૂંકસમયમાં સ્થિતિ થાળે પડી જવાની આશા છે.

રાન્સના વિદેશ પ્રધાન જીન યેવ લી ડ્રિયાને ટ્વીટર પર જણાવ્યું હતું કે અમેરિકાની સંસ્થાઓ સામેની હિંસા લોકશાહી પરનો પ્રહાર છે. હું તેની નિંદા કરુ છું. અમેરિકાના લોકોના ચુકાદાનું સન્માન થવું જોઇએ.
યુરોપિયન યુનિયનના નેતાઓના ચેરમેન ચાર્લ્સ માઇકલે વોશિંગ્ટનની હિંસા અંગે આઘાત વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટર પર જણાવ્યું હતું કે અમેરિકાની સંસદ લોકશાહીનું મંદિર છે. અમને વિશ્વાસ છે કે અમેરિકા જો બાઇડનને સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ કરશે.