કોરોના વાઈરસના કારણે વિશ્વભરમાં 24.82 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 1 લાખ 70 હજાર 439 લોકોએ જીવ ગુમાવ્યા છે. છ લાખ 47 હજાર 734 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 7.93 લાખ કેસ નોંધાય ચૂક્યા છે. 42 હજાર 517 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અત્યાર સુધીમાં અહીં 72 હજાર 389 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં 24 કલાકમાં 1939 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 28 હજાર નવા કેસ નોંધાયા છે.અમેરિકાનો સૌથી પ્રભાવિત રાજ્ય ન્યૂયોર્ક છે. અત્યાર સુધીમાં અહીં 18 હજાર 929 લોકોએ જીવ ગુમાવ્યો છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ન્યૂયોર્ક રાજ્યમાં બે લાખ 47 હજાર 512 પોઝિટિવ કેસ નોંધાયા છે. રવિવારે અહીં 478 લોકોના અને શનિવારે 507 લોકોના મોત થયા છે. અમેરિકા અને બ્રિટનમાં ભારતીય મૂળના ડોક્ટરો અને અન્ય મેડીકલ સ્ટાફ દિવસ-રાત કામ કરી રહ્યો છે.જેમાં ઘણા ડોક્ટરોના મોત પણ થયા છે. ગત સપ્તાહમાં ન્યૂયોર્કની હોસ્પિટલમાં એક ભારતીય ડોક્ટર માધવી અયાનું સંક્રમણથી મોત થયું હતું.

સંક્રમિતોમાં વધારે ભારતીય ડોક્ટર ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં છે. ડોક્ટર રજત ગુપ્તા ( નામ બદલ્યું છે) કોરોના દર્દીની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ડોક્ટરના ચહેરા ઉપર દર્દીએ ઉલટી કરી દીધી હતી. ત્યાર પછી ડોક્ટર સંક્રમિત થઈ ગયા અને તેનુ મોત થઈ ગયું. ભારતીય મૂળના અમેરિકન ડોક્ટર સંઘના સચિવ રવિ કોહલીએ કહ્યું કે ઓછામાં ઓછા 10 ડોક્ટર ગંભીર છે.