કોરોના મહામારીની સાથે સાથે અકલ્પનીય મુશ્કેલીઓનો પ્રવાહમાં જાણે વિશ્વ તણાઈ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બંગાળ-ઓડીશામાં સુપર સાઈક્લોન ‘એમ્ફાન’ ત્રાટક્યું હતુ. ત્યારે અમેરિકાના મિશિગનમાં બે ડેમ તૂટતા મોટાપાયે પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ૧૦,૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ડેટ્રોઈટથી ૨૨૫ કિલોમીટર દૂર આવેલા મિડલેન્ડના એડિનવિલે ડેમ અને તેનાથી ૧૧ કિલોમીટર દૂર આવેલા સ્ટાનફોર્ડ ડેમ તુટયા હતા. આ સાથે મિડલેન્ડમાં આપાતકાલની જાહેરાત કરવાની સાથે લોકોને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઓહાયોમાં પણ કેટલાક વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા હતા. અચાનક આવેલા પૂરના કારણે ઘરમાં જ ફસાઈ ગયેલા લોકોને નૌકાની મદદથી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. શિકાગોમાં પણ કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.