અમેરિકામાં રીપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીએ ચીનની સામ્યવાદી સરકારને કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી બાબતે ખોટું બોલવા માટે જવાબદાર ઠેરવવાની માગણી કરી છે. તેમણે એક ઓનલાઇન પીટિશન પર લોકોના હસ્તાક્ષર કરાવવાનું શરૂ કર્યું છે, જેમાં અમેરિકન સાંસદોને આ મુદ્દે પ્રતિક્રિયા આપવા અપીલ પણ કરી છે. ‘સામ્યવાદી ચીનને રોકો’ પીટિશન પર શુક્રવાર (24 એપ્રિલ) રાત સુધીમાં 40 હજારથી વધુ હસ્તાક્ષર થઇ ગયા હતા.

ભારતીય અમેરિકન નિક્કી હેલીએ આ પીટિશનમાં એક લાખ હસ્તાક્ષર મેળવવાના લક્ષ્ય સાથે આ ઝુંબેશ શરૂ કરી છે. યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાનાં ભૂતપૂર્વ રાજદૂત હેલીએ જણાવ્યું હતું કે, ચીનની સામ્યવાદી સરકારને કોરોના વાઇરસ વૈશ્વિક મહામારીના મુદ્દે ખોટું બોલવા બદલ જવાબદાર ઠેરવવી જોઇએ અને અમેરિકન સંસદે હવે પ્રતિભાવ આપવાની જરૂર છે. 48 વર્ષના નિક્કીએ કહ્યું કે, અમેરિકા અને વિશ્વમાં ચીનનો પ્રભાવ રોકવાના જંગમાં લોકો અમારી સાથે જોડાય અને આ પીટિશન પર હસ્તાક્ષર કરે.

થોડા દિવસ પહેલા તેમણે ચીનની ભાગીદારી અને વાઇરસની માહિતી અંગે ઇમરજન્સી સિક્યુરિટી કાઉન્સિલની મીટિંગ બોલાવવા મુદ્દે દબાણ વધાર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાએ આ મીટિંગ બોલાવવી જોઇએ. તેમના ટ્વીટનો જવાબ આપતા યુનાઇટેડ નેશન્સમાં ચીનના એમ્બેસેડર ઝાંગ જુને જણાવ્યું કે, તેમના દેશ પાસે છુપાવવા માટે કંઇ નહોતું. જે પણ સત્ય છે તે દુનિયાની સામે છે. મહામારી ક્યાંય પણ થઇ શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, વાઇરસને હરાવવા અને જીવન બચાવવા માટે ચીને પોતાનું કામ કર્યું છે.

હવે તે બીજાને મદદ કરવા માટે સખત મહેનત કરે છે. આ ઉપરાંત પીટિશનમાં સાંસદોને પણ આ મામલે તપાસ કરવાની પણ અપીલ કરવામાં આવી છે કે, શું ચીને કોરોના વાઇરસનો પ્રકોપ ઢાંકવા માટે પ્રયાસ કર્યો છે ખરો? સાથે જ મહત્ત્વના મેડિકલ સાધનો અને દવાઓ માટે ચીન પર અમેરિકાની નિર્ભરતા નાબૂદ કરવા, ચીનને અમેરિકાનું નુકસાન ભરપાઇ માટે મજબૂર કરવા અને ચીનના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલ તાઇવાનને ટેકો આપવા આગ્રહ કર્યો છે.