પ્રોફેસરશીપ

ટેક્સાસના ઓસ્ટિન સ્થિત ટેક્સાસ યુનિવર્સિટી ખાતે તીર્થંકર સુમતિનાથ ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસરશીપ ઇન જૈન સ્ટડીઝની રચના સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં જૈન ધર્મના શૈક્ષણિક અભ્યાસને વિસ્તૃત કરવા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જૈના એકેડેમિક લાયઝન કમિટી (ALC) તરફથી આ માટે $1 મિલિયનનું ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે અને ALC ના પ્રયાસો દ્વારા સ્થાપિત આ 24મી જૈન સ્ટડીઝ પ્રોફેસરશીપ છે.

હ્યુસ્ટનમાં જૈન વિશ્વ ભારતી સેન્ટર ખાતે એક ઉજવણી દરમિયાન આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી અને આ પ્રસંગે સમુદાયના 100થી વધુ સભ્યો, UT-ઓસ્ટિન ફેકલ્ટી અને સ્થાનિક મહાનુભાવોએ હાજરી આપી હતી. નવી પ્રોફેસરશીપ UTની કોલેજ ઓફ લિબરલ આર્ટ્સમાં એશિયન સ્ટડીઝ વિભાગમાં રહેશે, જે વર્ષભર શિક્ષણ, સંશોધન અને જૈન ફિલસૂફી અને મૂલ્યો પર આઉટરીચ પહેલને ટેકો આપશે.

એકેડેમિક લાયઝન કમિટીના સ્થાપક ડૉ. સુલેખ સી. જૈને આજના નૈતિક અને પર્યાવરણીય પડકારોનો સામનો કરવામાં અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહ જેવા જૈન સિદ્ધાંતોની સુસંગતતા પર ભાર મૂક્યો હતો. આ ભૂમિકા સ્થાનિક શાળાઓ અને સમુદાયો સાથે આંતરધાર્મિક સંવાદ અને શૈક્ષણિક જોડાણને પણ પ્રોત્સાહન આપશે.

અગ્રણી જૈન સખાવતી ડૉ. જસવંત મોદીએ જૈન ડાયસ્પોરાની પ્રાથમિકતાઓમાં પરિવર્તન – મંદિર નિર્માણથી લઈને શાંતિ અને સસ્ટેઇનીબીલીટીને પ્રોત્સાહન આપવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં રોકાણની પ્રશંસા કરી હતી.

હ્યુસ્ટનમાં ભારતના કોન્સ્યુલ જનરલ ડી.સી. મંજુનાથ અને કાઉન્સિલવુમન ટિફની ડી. થોમસે આ પહેલની પ્રશંસા કરી હતી. આ પહેલને કોલેજ ઓફ લિબરલ આર્ટ્સના ડીન ડૉ. ડેવિડ સોસા અને ALCના વાઇસ-ચેર ડૉ. મનીષ મહેતા દ્વારા જૈન ધર્મના પ્રાચીન, વિજ્ઞાન આધારિત મૂલ્યોને વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું.

આ પહેલ માટે જસવંત અને મીરા મોદી (વર્ધમાન ચેરિટેબલ ફાઉન્ડેશન); સ્વતંત્ર અને બિમલા જૈન ચેરિટેબલ ફાઉન્ડેશન; સુલેખ સી. જૈન; પ્રેમ જૈન; અને આલોક અને રીતુ જૈને આ માટે ઉદાર હાથે દાન આપ્યું હતું.

Picture Credit: University of Texas at Austin

LEAVE A REPLY