File photo

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે શુક્રવારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને રાજીનામુ મોકલી આપ્યું છે. આ સાથે દિલ્હીથી આગમન સાથે સત્તાવાર રીતે મુખ્યપ્રધાનપદેથી રાજીનામુ આપવા તેઓ રાજભવન પહોંચી ગયા હતા. રાવતે તેમના રાજીનામામાં જનપ્રતિનિધિ કાયદાની કલમ ૧૬૧-એ ટાંકીને કહ્યું છે કે તેઓ આ પદે નિયુક્ત થયાના છ મહિનામાં ચૂંટાઈ શકે તેમ ન હોવાથી બંધારણીય સંકટ ટાળવા માટે રાજીનામું આપવું જરૂરી છે. તીરથસિંહના રાજીનામાના પગલે આજે નવા મુખ્યપ્રધાનની પસંદગી માટે વિધાનસભા પક્ષની બેઠક મળશે. નવા મુખ્યપ્રધાન તરીકે સતપાલ સિંહ અને ધનસિંહ રાવતના નામ ચર્ચામાં છે.
તીરથસિંહે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કલમ ૧૬૪-એ હેઠળ તેમણે મુખ્યમંત્રી બન્યા પછી છ મહિનામાં વિધાનસભાના સભ્ય બનવાનું હતું, પરંતુ કલમ ૧૫૧ મુજબ વિધાનસભા ચૂંટણીમાં એક વર્ષથી ઓછો સમય બાકી હોય તો ત્યાં પેટાચૂંટણી યોજી શકાય નહીં. આથી રાજયમાં બંધારણીય સંકટ ઊભું ન થાય તે માટે હું મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવા ઇચ્છુ છું.
દહેરાદૂન પરત આવ્યા પછી રાવત સીધા રાજભવન પહોંચ્યા હતા. ઉત્તરાખંડમાં હવે ચાર મહિના કરતાં ઓછા સમયમાં ત્રીજા મુખ્યપ્રધાનની નિમણૂક થશે. વર્તમાન વિધાનસભાના કાર્યકાળમાં ત્રિવેન્દ્રસિંહ રાવત લગભગ ચાર વર્ષ સુધી મુખ્યપ્રધાન રહ્યા હતા, પરંતુ ચમોલી દુર્ઘટના પછી ત્રિવેન્દ્રસિંહની જગ્યાએ તીરથ સિંહે સુકાન સંભાળ્યું હતું.
ઉત્તરાખંડમાં આવતા વર્ષે જાન્યુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે.