બ્રિટનમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યા અગાઉ કરતા 46 ટકા વધી છે અને કેસનો કુલ આંકડો 50, 824 પર પહોંચ્યો છે. જોકે, કેસની સંખ્યા વધતા હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા વધી નથી તેથી આ ગંભીર રીતે ડેલ્ટા વેરિઅન્ટ સામે કોરોનાની રસીઓ અસરકારક રહી હોવાની સંભાવનાઓ છે.
આ દરમિયાન કોરોના મહામારીને પ્રસરતી અટકાવવા માટે યુએઇ દ્વારા તેના નાગરિકો પર ભારત-પાકિસ્તાન સહિત 14 દેશોમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ભારત, પાકિસ્તાન, બંગલાદેશ, નેપાળ, શ્રીલંકા, વિયેટનામ, નામિબિયા, ઝાંબિયા, કોંગો, યુગાન્ડા, લાઇબેરિયા, દક્ષિણ આફ્રિકા અને નાઇજિરિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.
જોકે, રાજદ્વારીઓ અને અન્ય મહાનુભાવોને આ દેશોનો પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ પણ કમર્શિયલ પેસેન્જરોના આગમન પર છ હજારની છૂટ આપી હતી તેને ઘટાડીને ત્રણ હજાર કરી છે. 14 જુલાઇ સુધીમાં આ ભારણ ઘટાડાશે જેથી હોટેલ ક્વોરન્ટાઇન પરનું દબાણ ઘટે તેમ વડાપ્રધાન સ્કોટ મોરિસને સ્થાનિક નેતાઓની મીટિંગ બાદ જણાવ્યું હતું.
બીજી તરફ સૌથી વધારે રસીકરણ કરનારા દેશ સેશલ્સમાં મે મહિનામાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે, જે ડેલ્ટા વેરિઅન્ટને કારણે ઘટવાના કોઇ સંકેત જણાતા નથી. તાજેતરમાં કોરોનાની રસીના બંને ડોઝ મેળવનારા છ જણાના કોરોનાનો ચેપ લાગવાને કારણે મોત થયા હોવાનું નોંધાયું છે. આ છમાંથી પાંચ જણે ભારતની કોવિશિલ્ડ અને એક વ્યક્તિએ સાઇનોફાર્મ રસી લીધી હતી.
બીજી તરફ જોન્સન એન્ડ જોન્સન કંપનીએ દાવો કર્યો હતો કે તેની કોરોના રસી ડેલ્ટા વેરિએન્ટ સામે આઠ મહિના પછી પણ અસરકારક જણાઇ છે. કંપનીએ ડેલ્ટા વેરિઅન્ટ સામે તેમની રસીની અસરકારકતા ચકાસવા માટે હાથ ધરેલા બે અભ્યાસોના પરિણામો જાહેર કરતાં આ આ વાત જણાવી હતી.