ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ ખાતે રવિવાર, સાત ફેબ્રુઆરી 20201ના રોજ એક ગ્લેશિયર તૂટતાં જલપ્રલયની સ્થિતિનું નિર્માણ થયું હતું અને ભારે નુકસાન થયું હતું. આ કુદરતી આપત્તિમાં આશરે 150 લોકોના લાપતા થયા હોવાનું માનવામાં આવે છે. (PTI Photo)

ભારતમાં ઉત્તરાખંડ રાજ્યમાં રવિવારે સવારે એક ગ્લેશિયર (હિમનદી) ફાટતાં અલકનંદા અને ધૌલીગંગા નદીમાં અચાનક વિનાશક પૂર આવતાં વ્યાપક વિનાશ વેરાયો હતો. પાણીના આ ભયાનક પ્રવાહના કારણે ચામોલી જિલ્લામાં આ નદીઓ ઉપર આવેલો એક ડેમ અને હાઈડ્રો પાવર સ્ટેશન તેમજ પાંચ પુલ ધોવાઈ ગયા હતા. મંગળવારે મોડી રાત્રે આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં કુલ 31 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, તો સત્તાવાળાઓએ આપેલી માહિતી મુજબ લગભગ 175 જેટલા લોકો હજી લાપતા હતા. કેટલાક લોકોને બચાવી પણ લેવાયા હતા.

રાજ્યમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ હરિદ્વાર ગયેલા દેશના જુદા જુદા ભાગોના કેટલાય લોકો પણ આ પૂરના કારણે સર્જાયેલી સ્થિતિમાં ફસાઈ ગયા હતા, જેમાં ગુજરાતના પણ કેટલાક લોકોનો સમાવેશ થાય છે.

રવિવારે (7 ફેબ્રુઆરી) સવારે આ ગ્લેશિયર ફાટવાની ઘટના પાછળ પ્રાથમિક રીતે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર મનાય છે, કારણ કે ફેબ્રુઆરી મહિનાના આ સમયે તો અહીં હજી ઠંડી રહેતી હોય છે, તે સંજોગોમાં ગ્લેશિયરનું પીગળી જવું અને ફાટવું આ સમયે કવેળાનું ગણાય.

ચામોલી જિલ્લામાં આવેલા તપોવન ડેમની એક ટનલમાં લગભગ 40 લોકો ફસાયા હોવાની ધારણા છે અને ત્યાં બચાવ કામગીરી માટે ભારતીય લશ્કર, આઈટીબીપી, રાજ્ય ડીઝાસ્ટર રીલીફ ફોર્સ વગેરેની ટીમો સંયુક્ત રીતે રવિવારથી લાગી ગયેલી છે. બે નદીઓમાં અચાનક આવેલા પૂરથી કેટલાય ગામો પણ પાણીમા ઘેરાઈ ગયા હતા, તો અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો હતો. સ્થાનિક લોકોના પોતાના લાપતા પરિવારજનોની ભાળ મેળવવા ચિંતાતુર જણાતા હતા. અનેક માર્ગો પણ પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગયા હતા. ભારત સરકારે તેમજ રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. બે-બે લાખની સહાયની જાહેરાત કરી છે.