વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને એક વર્ષ પૂરું થતાં સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે 16 જાન્યુઆરી 2022ના રોજ પૂરીના દરિયાકાંઠે રેતીની કલાકૃતિ તૈયાર કરી હતી. (ANI Photo)

ભારતમાં કોરોના રસીકરણ અભિયાનને 16 જાન્યુઆરીએ એક વર્ષ પૂરું થયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ દેશી વેક્સિન કોવેક્સિન અંગેની એક પોસ્ટલ સ્ટેમ્પ જારી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતના 70 ટકા પુખ્ત લોકોએ કોરોનાની વેક્સિનને બંને ડોઝ લીધા છે, જ્યારે 93 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે.
ટપાલ ટિકિટ જારી કરવાના કાર્યક્રમમાં પ્રધાને જણાવ્યું હતું કે આ ભારતના લોકો માટે ગર્વની પળ છે અને સમગ્ર વિશ્વ દેશના કોરોના રસીકરણ અભિયાનથી ચકિત છે. કેટલાંક લોકોએ રસીકરણ અભિયાન અંગે ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિબદ્ધ હતા તથા તેમણે વિજ્ઞાનીઓ અને કંપનીઓને પ્રોત્સાહન અને પ્રેરણા આપવાનું ચાલુ રાખ્યું હતું.

માંડવિયાએ જણાવ્યું હતું કે જંગી વસતિ અને વિવિધતા હોવા છતાં ભારત કોરોના વેક્સિનના 146 કરોડ ડોઝ આપવાના સિમાચિહ્નને હાંસલ કરી શક્યો છે. આ પ્રસંગે તેમણે તમામ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો.

ભારતમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ 16 જાન્યુઆરીએ થયો હતો. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર્સને વેક્સિન આપવામાં આવી હતી. બે ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઇન વર્કર્સ માટે રસીકરણ ચાલુ થયું હતું. આ પછી પહેલી માર્ચથી વિવિધ બિમારીથી પીડાતા 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણ ચાલુ થયું હતું. પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોરોના વેક્સિનેશન ચાલુ થયું હતું. આ પછી સરકારે પહેલી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. 15થી 18 વર્ષના કિશોરો માટે આ વર્ષના ત્રણ જાન્યુઆરીથી વેક્સિનેશન ચાલુ થયું છે.