ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે અને તે નાના બાળકો, કિશોરવયના બાળકો માટે પણ જોખમી છે. આથી ભારત સરકારે 15થી 18 વર્ષની વયના સગીરોને ૩ જાન્યુઆરીથી કોરોનાની રસી આપવાની, તથા વૃદ્ધો અને ફ્રન્ટલાઈન વર્કર્સને ૧૦ જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાષ્ટ્રને નામ સંબોધનમાં આ જાહેરાત કરી હતી. આ દરમિયાન ડીજીસીઆઈએ ઈમર્જન્સીમાં 12થી 18 વર્ષના કિશોરોને રસી આપવાની મંજૂરી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિશોરોને રસીકરણની જાહેરાત કરતા કહ્યું કે સરકારનો આ નિર્ણય કોરોના સામે દેશની લડાઈને મજબૂત કરવાની સાથે સ્કૂલ-કોલેજોમાં જઈ રહેલા બાળકો અને તેમના માતા-પિતાની ચિંતાઓ પણ દૂર કરશે. દેશમાં ૩જી જાન્યુઆરીને સોમવારથી 15થી 18 વર્ષની વયના સગીરો માટે રસીકરણ અભિયાન શરૂ થશે.
હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે બૂસ્ટર ડોઝની જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, આપણા બધાનો અનુભવ છે કે કોરોના વોરિયર્સ, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સે કોરોના સામેની લડાઈમાં દેશને સુરક્ષિત રાખવામાં મોટું યોગદાન આપ્યું છે. તેઓ આજે પણ કોરોનાના દર્દીઓની સેવામાં પોતાનો ઘણો સમય પસાર કરી રહ્યા છે. તેથી તકેદારીના ભાગરૂપે સરકારે નિર્ણય લીધો છે કે હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસીનો બૂસ્ટર ડોઝ અપાશે, જેની શરૂઆત 10 જાન્યુઆરીથી કરાશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, અન્ય બીમારીઓનો ભોગ બનેલા લોકોને પણ બૂસ્ટર ડોઝ અપાશે. કો-મોર્બિડિટીવાળા 60 વર્ષથી વધુ વયના નાગરિકોને ડૉક્ટરની સલાહ પર બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તેમને પણ ૧૦ જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ આપી શકાશે.