નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરના એમપી શ્રી શૈલેષ વારાએ ગુરૂવાર તા. 19મી મે 2022ના રોજ સંસદમાં આયોજિત વિશેષ પુરસ્કાર સમારોહમાં તેમના મતવિસ્તારના ત્રણ કોરોનાવાઇરસ કોમ્યુનિટી ચેમ્પિયનનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વડા પ્રધાન બોરિસ જૉન્સને વીડિયો સંદેશ દ્વારા ચેમ્પિયન્સને વધાઇ આપવામાં આવી હતી. ચેમ્પિયન્સની પસંદગી જનતાએ આપેલા નોમિનેશન થકી કરાઇ હતી.

ચેમ્પિયન બનેલી સ્ટેનગ્રાઉન્ડ પીટરબરોની સાઉથફિલ્ડ્સ પ્રાઈમરી સ્કૂલે રોગચાળા વખતે સેલ્ફ આઇસોલેટડ થયેલા પરિવારોને ફૂડ પાર્સલ આપ્યા હતા અને વિદ્યાર્થીઓ અને સ્ટાફે તે વખતે સખત મહેનત કરી હતી. શાળા વતી હેડ ટીચર શ્રીમતી લૌરા માર્ટિન અને સીનીયર આસીસ્ટન્ટ હેડ ટીચર શ્રીમતી યોલાન્ડા સ્ટુઅર્ડ ઉફસ્થિત રહ્યા હતા.

કોઈ વધારાના ખર્ચ વિના સંવેદનશીલ રહીશોને ગ્રોસરીની ડિલિવરી કરવા અને સ્થાનિક વૃદ્ધ રહેવાસીઓને સતત ટેકો આપવા બદલ એલ્ટન વિલેજ સ્ટોર્સના સ્ટીફન હિગિન્સ અને રવિ માથુને પસંદ કરાયા હતા.

એબોટ્સ રિપ્ટન પોસ્ટ ઓફિસ સ્ટોર્સના સમન્થા વોર્ડમેન અને એડ્રિયન વોર્ડમેનને ઘર છોડવા અસમર્થ લોકોને સરસામાન અને પોસ્ટની ડિલિવરી પહોંચાડવા પસંદ કરાયા હતા.

શ્રી વારાએ વિજેતાઓને સંસદમાં આવકાર્યા હતા. જે દરેકને કેમ્બ્રિજશાયરના તમામ સાંસદો દ્વારા સહી કરાયેલ પ્રમાણપત્ર અર્પણ કરાયું હતું.

શ્રી વારાએ કહ્યું હતું કે“નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરના કોમ્યુનિટી ચેમ્પિયન્સનું સંસદમાં સ્વાગત કરતા ખૂબ જ આનંદ થાય છે. રોગચાળા દરમિયાન, મેં નિઃસ્વાર્થતા અને ઉદારતાના અસંખ્ય કાર્યો જોયા છે. હું વિજેતાઓને પુરસ્કારો બદલ હાર્દિક અભિનંદન આપુ છું અને તેમના કાર્યો બદલ હું નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયર વતી આભાર માનું છું.”