Various uses of mint for health

ડો. યુવા અય્‍યર

આયુર્વેદિક ફિઝિ‌શિયન

શિયાળામાં તાજું, રેસા વગરનું આદુ બજારમાં બહુ વેચાતું જોવા મળે છે. સામાન્ય રીતે આદુનો ઉપયોગ દાળ, શાકમાં મસાલા તરીકે કરવામાં આવે છે શિયાળામાં ચામાં આદુ વાટીને નાખવાનો રિવાજ પ્રચલિત છે. આદુની મીઠું અને લીંબુ નાખીને સૂકવણી કરીને તેનો મુખવાસ તરીકે પણ ઉપયોગ કરાય છે. આમ પરંપરાગત રીતે આપણે આદુને રોજ-બ-રોજના વપરાશમાં લઇએ છીએ. આવો, આદુના થોડા વિશેષ ગુણો તથા તેની ઉપયોગિતા વિશે જાણીએ
આદુના છોડનાં મૂળનો આદુ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ તાજા મૂળને સૂકવી અને તેને પાવડર કરી સૂંઠનું ચૂર્ણ બનાવવામાં આવે છે. આદુ કરતાં સૂંઠમાં ઔષધિય ગુણોની તીવ્રતા જોવા મળે છે તેમ છતાં પણ વિવિધ ઉપાયોથી આદુ પણ દવા જેવું જ કામ કરે છે. આદુમાંથી આદાપાક વિધિવત્ બનાવી તેનો ઉપયોગ શ્વાસ, ખાંસી, અપચો, ભૂખ ન લાગી જેવા કાયમી ઘર કરી ગયેલા રોગમાં નિયમિત થોડો લાંબો સમય કરવાથી કાયમી રાહત મળે છે.

આદાપાક બનાવવાની રીત

તાજું, રેસા વગરનું આદુ લઇ તેનો રસ કાઢવો, આદુના રસ જેટલું જ પાણી ઉમેરી આ મિશ્રણને ઉકાળવું, મિશ્રણ ઉકળવા લાગે ત્યારે તેમાં આદુના રસથી ચાર ગણી સાકરનું ચૂર્ણ અથવા ગોળ ઉમેરી, પાક કરવો. આ પાકમાં કેસર, એલચી, જાયફળ, જાવંત્રી અને લવિંગ સરખા ભાગે લઇ તેનો ભુક્કો કરી નાખવું. ઉપર જણાવ્યા તે ગરમ મસાલાનું પ્રમાણ આદુના રસ કરતાં દસમા ભાગે રાખી શકાય. આદાપાકનો ઉપયોગ અતિશય ગરમી અને શરદઋતુમાં ન કરવો. રોગીનું બળ વધારે ધ્યાનમાં રાખી આદાપાકનું પ્રમાણ નક્કી કરવું. શ્વાસ, ઉધરસ અને અપચાની કાયમી તકલીફવાળા લોકો 1 નાની ચમચી આદાપાકનું સેવન સવારે નાસ્તો કર્યા પછી અથવા તો બપોરે જમ્યા પછી પણ કરી શકે છે.

આદુનો રસ

• તાજા આદુનો રસ કાઢી તેમાંથી 1 ટેબલસ્પૂન આદુનો રસ, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 1 ચપટી સિંધવ ભેળવી જમતા પહેલા પીવાથી ભૂખ ન લાગવી, પાચનની નબળાઇ, જમ્યા પછી પેટ ભારે થઇ જવું જેવી સમસ્યાઓમાં તથા કાયમી જૂની કબજિયાતવાળા દરદીઓને લેવાથી ફાયદો થાય છે.
• આદુનો રસ 1 ટેબલસ્પૂન, લીંબુનો રસ 1 ટેબલસ્પૂન અને મધ 1 ટેબલસ્પૂન ભેળવી તેમાં 1 નાની ચમચી લીંડી પીપરનું ચૂરંણ મિક્સ કરી સવાર – સાંજ જમ્યા પછી અડધું – અડધું ચાટી જવું. આ પ્રયોગથી સૂકી ખાંસી, જૂની ખાંસીમાં ફાયદો થાય છે.
 • આદુના ઝીણા ટુકડા કરી, ઉપર લીંબું – મીઠું છાંટી જમતા પહેલા 4-5 નાના ટુકડા ખાવાથી કફ ગળામાં જમા થઇ જતો હોય, જીભમાં છારી બાઝેલી રહેતી હોય, મોંમાં સ્વાદ બરાબર ન આવતો હોય તેવા રોગ મટે છે.
આદુ સૂકવીને બનાવેલી સૂંઠના ઉપયોગો
1 તોલો સૂંઠ પાઉડર, 2 તોલા ઘઉનો લોટ, 2 તોલા ઘીમાં લાલ થાય તેવો શેકવો, તેમાં 1 તોલો ગોળ અને 5 તોલા પાણી નાંખવું. પાણી બળી જઇને શીરા જેવું થાય તથા ઘી છુટું પડે ત્યાં સુધી હલાવતા રહેવું.
• સતત 14 દિવસ સુધી સવારે આવી સૂંઠનો ઉપયોગ કરવાથી અપચો, અજીર્ણ, શરીરમાં કળતર થવી, વાયુને કારણે પાચન ન થવું. શરીરમાં અશક્તિ રહેવી. વારંવાર શરદી – તાવ – ઉધરસ જેવા ઓજોક્ષય – ઇમ્યુનિટી ઘટી જવાના રોગોમાં ફાયદો થાય છે.

શિસ્ત અને વિશ્વાસ

આદુ જેવા સાદા – સસ્તા પદાર્થને જો આપણે જૂની ખાંસી, જમા થઇ ગયેલાં કફ, વધુ પડતી ચરબી, ફેટી લીવર કે અન્ય કોઇ પણ રોગ માટે ઔષધ તરીકે વાપરવા માંગતા હોઇએ ત્યારે આયુર્વેદ પર વિશ્વાસ જરૂરી છે . આયુર્વેદ ડોક્ટરનાં માર્ગદર્શનમાં અને તમારી પ્રકૃતિ અને રોગ માટે શી રીતે વાપરવું જોઇએ તે જાણી અને શિસ્તપૂર્વક ઉપયોગ કરો.
• અરે આ તો આદુ જ છે, થોડું વધારે-ઓછું કે આગળ-પાછળ થઇ જાય તો ચાલે! આવા અભિગમથી દૂર રહો. કેમ કે, કફના મારણ માટે આદુને જમ્યા પછી અને વિકૃત વાયુથી થતાં રોગ માટે ખાલી પેટે આદુ કે સૂંઠને અન્ય કયા પદાર્થ સાથે વાપરવું એ એક આયુર્વેદ જાણનાર ડોક્ટર જ નક્કી કરી શકે.  યોગ્‍ય માર્ગદર્શન હેઠળ જ્યારે ઉપયોગ થાય ત્યારે ઓબેસિટી અને ફેટી લીવરમાં દવા જેવું કામ કરતું આદુ દુબળા – પાતળા બાંધાની વ્યક્તિનું વજન વધારવા પણ વાપરી શકાય. પ્રમાણ, અનુપાન અને અન્ય તકેદારી વિશે માર્ગદર્શન હેઠળ વાપરવું જરૂરી છે.

ફેટી લીવર અને ઓબેસિટી માટે  ઉપયોગ

ડો. માઇકલ ગ્રેગર, એમ.ડી.  ન્યુટ્રીશનલ ફેક્ટસ ઓર્ગેનાઇઝેશન, ન્યૂ યોર્ક ટાઇમ્સ બેસ્ટ સેલિંગ ઓથર છે. ન્યુટ્રીશન, ફુડ અને સેફ્ટી, પબ્લિક હેલ્થ વિશે તેમના લેક્ચર્સ અને વીડિયો માટે ખૂબ પ્રખ્યાત છે. લાઇફ સ્ટાઇલ મેનેજમેન્ટથી રોગ પર કેવી રીતે કાબૂ કરી શકાય તે વિશે તેઓ વિશેષ કાર્યરત છે.
આદુની ઓબેસિટી અને ફેટી લીવરની ટ્રીટમેન્ટમાં કેટલી ઉપયોગિતા છે. તે ચકાસવા તેમના દ્વારા અમુક પ્રયોગો અને તારણો વિશે જણાવાયું છે. તેઓ કહે છે કે, આદુ જેવી ખૂબ સહેલાઇથી મળતા અને સસ્તામાં વેચાતાં ખાદ્ય પદાર્થની મેડિસિનલ વેલ્યુ બાબત સંશોધન માટે કોઇ કોમર્શિયલ રસ ધરાવતાં ના હોય તે સ્વાભાવિક છે. આથી જ વધુ વજન ધરાવતાં ઉંદરો પર આદુની અસર અને તેનાં તારણો વિશે માહિતી મળે પરંતુ માણસ પર તેની કેવી અસર થાય છે, તે જાણવા તેઓએ બે ગ્રૂપ બનાવી એક ગ્રૂપને આદુને કચરી લગભગ – ટી-સ્પૂન જેટલું આદુ પાણીમાં કે સૂપમાં ઉકાળી અને જમતાં પહેલા પીવડાવ્યું અને બીજા ગ્રૂપને આદુ વગર સાદુ સૂપ કે ગરમ પાણી પીવડાવ્યું. અહીં બીજા ગ્રૂપમાં આદુ ન નાંખવાથી ટેસ્ટમાં તો ફરક ખબર પડી જાય તે સ્વાભાવિક જ છે. આદુવાળા ગરમ પાણી પીનારાં વધુ વજન ધરાવનારા ગ્રૂપનાં વ્યક્તિઓની ભૂખ અને ખોરાકના પ્રમાણમાં ઘટાડો નોંધવામાં આવ્યો. આદુ વગરના ગરમ પીણાં પીનારા વધુ વજન ધરાવનાર ગ્રૂપનાં લોકોનાં ખોરાકનું પ્રમાણ ઘટ્યું ન હતું.આ ઉપરાંત આદુના પાવડરને કેપ્સ્યુલમાં ભરી અને એક ગ્રૂપમાં અપાયું અસર જાણવા બીજા ગ્રુપમા આદુનો પાવડર ભરવામાં આવ્યો ન હતો. 12 અઠવાડિયાના અંતે આદુનો પાવડર ભરેલી કેપ્સ્યુલ ખાધેલા ગ્રૂપના લોકોના BMIમાં ઘણો ઘટાડો થયેલો નોંધવામાં આવ્યો.
• આદુનો ઉપયોગ માત્ર ખોરાકમાં ઉમેરી અને કરવાથી અને આદુને કચરી અને ઉકાળાની માફક કોઇ પીણામાં કરવાથી પણ રીઝલ્ટમાં ફરક નોંધવામાં આવ્યો.
• આદુનાં પ્રમાણ બાબત પણ તેઓ કચરેલાં આદુનાં ટી-સ્પૂન જેટલું લેવાયેલું જણાવે છે.
• આદુના ઉપયોગ બાદ થોડાં આદુનાં સ્વાદવાળા ઓડકારથી વિશેષ આદુની કોઇ સાઇડઇફેક્ટ નથી. તેવું તેઓ જણાવે છે.
• આવાં જ પ્રયોગોના અવલોકનમાં જેઓએ હાઇફાઇબર અને ઓછા કાર્બોહાઇડ્રેટવાળા ખોરાક સાથે આદુનો પ્રયોગ કરેલો તેવા નોન આલ્કોહોલિક ફેટી લીવરનાં દર્દીઓનાં લીવરમાંથી ફેટ ઓછી થઇ અને લીવર ફંકશન ટેસ્ટમાં સુધારો થતો નોંધાયેલો તેમ પણ જણાવે છે.
અહીં આધુનિક વિજ્ઞાનનાં દૃષ્ટિકોણથી અને એલોપથી વિજ્ઞાનનાં તજજ્ઞ દ્વારા જે જણાવાયું છે તેનાં વિશે જણાવવાનો મારો આશય એ છે કે, કેટલાંક એવા ખાદ્યપદાર્થો છે કે જેની અસરકારકતાથી પ્રભાવિત થઇ અને તેને પરિક્ષણની એરણ પર ચઢાવવા આધુનિક વૈજ્ઞાનિકો પણ પ્રેરાય છે. જ્યારે આયુર્વેદ વિજ્ઞાનમાં આદુનો રસ, આદુનો પાક, આદુમાંથી સૂંઠ બનાવીને તેના ઉપયોગ, આદુના અન્ય ઉપયોગ મળી આવે છે.
ઔષધિ તરીકે તેનાં કેટલાં વિશિષ્ટ ઉપયોગો થઇ શકે છે, તેની ઝીણવટપૂર્વકની વૈજ્ઞાનિક દૃષ્ટિ વિશે વેદકાલીન ઋષિઓનાં સંહિતાઓમાં થયેલી નોંધથી આપણે જાણી શકીએ છીએ.
આપને હેલ્‍થ, આયુર્વેદ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો ડો. યુવા અય્યરને
[email protected] પર પૂછી શકો છો.

LEAVE A REPLY

18 − two =