રાજધાની લંડનમાં શનિવાર તા. 22મી એપ્રિલના રોજ બપોરથી સાંજના 6 વાગ્યા સુધી ટ્રફાલ્ગર સ્ક્વેરમાં શીખો અને પંજાબીઓના સૌથી મોટા તહેવાર વૈશાખીની શાનદાર ઉજવણી કરવામાં આવશે એવી જાહેરાત લંડનના મેયર સાદિક ખાને કરી છે. વૈશાખી પર્વે શીખો અને પંજાબીઓ પરંપરા, વારસા, સંસ્કૃતિ અને આધુનિક શીખ ધર્મ ખાલસાના જન્મની ઉજવણી કરે છે. આ પ્રસંગે સંગીત, કલા પ્રદર્શનો અને પાઘડી બાંધવા, વિવિધ વાનગીઓ ધરાવતા લંગર, બાળકોની પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક વાર્તાલાપનો લાભ લઇ શકશે.

આ પ્રસંગે સૌ કોઇ ડીજે અને પ્રસ્તુતકર્તા ટોમી સંધુ અને હાસ્ય કલાકાર અને નાટ્યકાર સુખ ઓજલાના વિવિધ કાર્યક્રમોનો આનંદ માણી શકશે. શીખ કીર્તન સંગીતના અગ્રણી કલાકાર મણિકા કૌર, BBC એશિયન નેટવર્ક ફ્યુચર સાઉન્ડ્સ 2020 આર્ટિસ્ટ તરીકે નામાંકિત અમૃત કૌર અને ‘તબલાજેડી’ તરીકે ઓળખાતા દલ સિંહના પર્ફોર્મન્સનો લાભ મળશે. તો બાબા ફતેહ સિંહ ગટકા અખાડા ગટકા નામની શીખ માર્શલ આર્ટ રજૂ કરશે. ઢોલ એકેડેમીના ઢોલના નાદથી વાતાવરણ ગુંજી ઉઠશે. તો મુલાકાતીઓ મફત ભોજન લંગરનો લાભ મળશે જેનું આયોજન લંડનની આજુબાજુના ગુરુદ્વારાઓ, લંડનની શીખ હોમલેસ ચેરિટી અને સેવા દ્વારા કરાશે.

પ્રખ્યાત હેડ શેફ મનપ્રીત સિંઘ શીખ વાનગીઓ રજૂ કરશે તો જુગ્ગી સિદ્ધુ પોષક ભોજન પર ચર્ચા કરશે. યુકેની પ્રથમ શીખ ગેમ્સ આગામી ઓગસ્ટમાં યોજાનાર છે ત્યારે મુલાકાતીઓને ટીમને મળવાની અને ગટકા, બોક્સિંગ અને પાવરલિફ્ટિંગની કેટલીક મનોરંજક રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે.

આ પ્રસંગે  ચાર્ડિકલા ટર્બન એકેડેમી દ્વારા પાઘડી બાંધવાના કાર્યક્રમ, બેઝિક્સ ઓફ શીખી સંસ્થા દ્વારા ‘વૉટ ઇઝ વૈશાખી’ પર વાર્તાલાપ, તેમજ શીખ કલરિંગ દ્વારા બાળકોની મનોરંજક પ્રવૃત્તિઓની માર્કી પણ હશે.

લંડનના મેયર, સાદિક ખાને કહ્યું હતું કે “મને ફરી એક વાર શીખ ધર્મની સ્થાપનાના પર્વ લંડનવાસીઓનું વૈશાખીની ઉજવણી માટે ટ્રફાલ્ગર સ્ક્વેરમાં સ્વાગત કરતાં આનંદ થાય છે. વિવિધતા એ લંડનની સૌથી મોટી તાકાત છે અને આ તહેવાર આપણી રાજધાનીના કેન્દ્રમાં શીખ અને પંજાબી સંસ્કૃતિની સમૃદ્ધિને પ્રદર્શિત કરવાની એક અદ્ભુત તક છે.”

LEAVE A REPLY

two × 2 =