પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી રાજ્યની તમામ સ્કૂલોમાં વૈદિક ગણિત ભણાવાશે. સરકારે કરેલી જાહેરાત મુજબ તબક્કાવાર અમલ કરાશે અને ફરજીયાત અમલ કરવાનો રહેશે. પ્રથમ તબક્કામાં ૨૦૨૨-૨૩થી ધો.૬,૭ અને ધો.૯માં ભણાવાશે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગુરુવારે ઠરાવ કરીને સ્કૂલો માટે આ મહત્વની જાહેરાત કરી હતી. બીજા તબક્કામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધો.૮ અને ધો.૧૦માં વૈદિક ગણિત ભણાવાશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રથમ તબક્કે ધો.૭ અને ૯માં અને પછીના વર્ષોમાં જરુરિયાત મુજબ અન્ય ધોરણમાં પણ બ્રીજ કોર્સ કરાવવાનો રહેશે.

અભ્યાસક્રમ અંગેની જરૃરિયાત મુજબની તાલીમ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ-જીસીઈઆરટી દ્વારા યોજવાની રહેશે. ધો.૬થી૮ માટેનું વૈદિક ગણિતનું તમામ પ્રકારનું સાહિત્ય જીસીઈઆરટી દ્વારા અને ધો.૯ તથા ધો.૧૦ માટેનું સાહિત્ય ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવાનું રહેશે. શાળાઓમાં વૈદિક ગણિત આધારિત વિશેષ દિન ઉજવણી, ક્વિઝ અને કોયડા ઉકેલ જેવી વિવિધ સ્પર્ધાઓ અને ગણિત પ્રદર્શન જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ સ્કૂલોમાં યોજવાની રહેશે.