
અમેરિકાએ વેનેઝુએલામાં મિલિટરી ઓપરેશન હાથ ધરી પ્રેસિડન્ટ નિકોલસ માદુરો અને તેમની પત્નીની કેદ બનાવ્યાના એક દિવસ પછી રવિવારે ભારતે જણાવ્યું હતું કે ભારત વેનેઝુએલાની ગતિવિધિથી ખૂબ ચિંતિત છે. સરકાર ઊભરતી સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને દેશના લોકોની સુખાકારીને સમર્થન આપે છે.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વેનેઝુએલાની તાજેતરની ગતિવિધિ ઊંડી ચિંતાનો વિષય છે. અમે ઊભરતી સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. ભારત વેનેઝુએલાના લોકોની સુખાકારી અને સલામતી માટે પોતાના સમર્થનની પુષ્ટિ કરે છે.
શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે શાંતિપૂર્ણ રીતે મુદ્દાઓનું નિરાકરણ લાવવાનો અનુરોધ કરતાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમે તમામ પક્ષકારોને વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે મુદ્દાઓનું નિરાકરણ લાવવા, પ્રદેશની શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા હાકલ કરીએ છીએ.
અમેરિકાએ માદુરો પર ડ્રગ્સની હેરાફેરીના સતત આરોપ લગાવ્યા પછી વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર લશ્કરી હુમલો કર્યો હતો. માદુરોએ આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતાં.અમેરિકન સૈનિકો માદુરો અને તેમની પત્નીને ન્યૂયોર્ક લઈ ગયા છે. અમેરિકાની કાર્યવાહી બાદ વેનેઝુએલાએ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી.












