(ANI Photo)

10 જાન્યુઆરીથી યોજાઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત સમીટ માટે અમેરિકામાં રોડ-શો કરવા માટે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓનું બનેલું એક પ્રતિનિધિમંડળ અમેરિકાના પ્રવાસે જવા રવાના થયું છે. આ પ્રતિનિધિમંડળ વિદેશી રોકાણકારોને આ સમીટ માટે આમંત્રણ આપશે. આ ઉપરાંત ભારતીય મૂળના સ્ટાર્ટઅપ અને ઉદ્યોગકારો સાથે બેઠક કરશે.

આ પ્રતિનિધિમંડળ ન્યુયોર્કમાં નાસ્ડેકની મુલાકાત લેશે અને બ્લુમબર્ગના સીઇઓ માઈક બ્લુમબર્ગ સાથે બેઠક કરી ગિફ્ટ સિટીમાં સંભવિત રોકાણ અંગે ચર્ચા કરશે. આ સાથે વર્લ્ડબેંક, આઇએફસી, મેગાના અધિકારીઓ સાથે પણ મંત્રણા થશે. અમેરિકાના ઉદ્યોગ પ્રતિનિધિઓને ગુજરાતની વાયબ્રન્ટ સમિટમાં આવવા માટે આમંત્રણ પણ આપવામાં આવશે.

રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે કોરોના મહામારીના કારણે જે દેશમાં જઇ શકાય તેવું નથી ત્યાં વર્ચ્યુઅલી બેઠકો કરાશે. રાજ્યના નાણા વિભાગના અગ્રસચિવ જેપી ગુપ્તાની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ અમેરિકાના પ્રવાસે જવા રવાના થયું છે. આ પ્રતિનિધિઓ 5મી ડિસેમ્બર સુધી અમેરિકામાં રોકાણ કરશે અને અલગ અલગ સ્ટેટમાં રોડ-શો કરી ઉદ્યોગકારોને આકર્ષવાનો પ્રયાસ કરશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 અને 9 ડિસેમ્બરના રોડ દુબઇ અને અબુધાબીના પ્રવાસે જવાના છે. તેઓ દુબઇમાં ઔદ્યોગિક જૂથો સાથે મંત્રણા કરીને તેમને ગુજરાતની વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપશે. કોરોના મહામારીના સમયના કારણે સરકારે એવું નક્કી કર્યું છે કે નેધરલેન્ડ, જર્મની, જાપાન અને દક્ષિણ કોરિયા સહિતના કેટલાક દેશોમાં ફિજીકલ રોડ-શો નહીં થાય પણ વર્ચ્યુઅલ મંત્રણા બેઠકો કરવામાં આવશે.