કોરોનાના નવા વેરિયન્ટને પગલે અમેરિકાના ન્યૂયોર્કના ગવર્નરે શુક્રવારના રોજ ઈમર્જન્સીની સ્થિતિની જાહેરાત કરી હતી. ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોશુલે જણાવ્યું હતું કે આ વેરિયન્ટ હજુ રાજ્યમાં દેખાયો નથી, પરંતુ આરોગ્ય વિભાગ બિન આવશ્યક, નોન અર્જન્ટ પ્રોસિજર્સને હોસ્પિટલમાં મર્યાદિત કરી શકે અને ઝડપથી વધુ ક્રિટ્રિકલ સપ્લાય મેળવી શકે તે માટે તેમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઓર્ડર 3 ડિસેમ્બરથી અમલી બનશે અને 15 જાન્યુઆરીએ સ્થિતિને આધારે સમીક્ષા થશે.

એપ્રિલ 2020માં કોરોના વાયરસ ફેલાવવાની શરુઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી વર્તમાન સ્થિતિ સૌથી વધારે ગંભીર છે. તેમણે જણાવ્યું કે, બોત્સવાનામાંથી કોવિડનો જે ચિંતાજનક વેરિયન્ટ મળી આવ્યો છે તેનાથી બચવાની જરુર છે. મહામારીના નિષ્ણાંત વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ વેરિયન્ટ અત્યંત ચિંતાજનક છે અને મહામારી 2.0ને ફેલાવી શકે છે. વૈજ્ઞાનિકોની ચેતવણી પછી ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે નિષ્ણાંતોએ વિવિધ દેશોને આગ્રહ કર્યો છે કે ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવે. અમેરિકામાં મ્યૂટન્ટ સ્ટ્રેન ઓમીક્રોનનો પ્રવેશ ના થાય તે માટે આઠ સાઉથ આફ્રિકન દેશોની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ સોમવારથી લાગુ પડશે.