આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 માટે ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં નવી દિલ્હી ખાતે વિશ્વના 119 દેશોના ડિપ્લોમેટ્સ અને પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી અને તેમની સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાના પગલે ગુજરાત દેશ અને દુનિયાના ‘મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ હબ’ તરીકે પ્રસ્થાપિત થયું છે.
પ્રોએક્ટિવ પોલીસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડીરોકાણકારો માટે સાનુકૂળ માહોલ, સુગ્રથિત ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ જીવનધોરણ જેવા પરિબળો થકી ગુજરાત આજે દુનિયાભરના મૂડીરોકાણકારો માટે સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે.

આગામી 10 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી આવૃત્તિ અંતર્ગત ગુજરાત સરકારે નવી દિલ્હી ખાતે ડિપ્લોમેટ્સ મીટનું આયોજન કર્યું હતું. મુખ્ય પ્રધાન અને વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ઇન્ડોનેશિયા, જાપાન, ફ્રાન્‍સ અલ્જેરિયા, બેલ્લારૂસ, આર્જેન્‍ટિના, બ્રાઝિલ, યુ.એ.ઇ, ઇજીપ્ત, વિયેતનામ, વેનેઝુએલા, મોરોક્કો, ઓમાન, ફિનલેન્ડ, હંગેરી, કોરિયા, રવાન્ડા, નૌરૂ, મોઝામ્‍બિક સહિતના દેશોના રાજદ્વારીઓ સહભાગી થયા હતા

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, છેલ્લા બે દસકામાં ગુજરાતે 55 બિલિયન ડોલરનું ક્યુમ્યુલેટિવ એફ.ડી.આઈ. મેળવ્યું છે. વર્લ્ડ ક્લાસ રોડ, રેલવે, પોર્ટ અને એરપોર્ટ કનેક્ટિવિટીને કારણે ગુજરાતની પહોંચ દેશમાં જ નહીં પરંતુ એશિયા, આફ્રિકા, મિડલ ઇસ્ટ અને યુરોપીય દેશોની બજારો સુધી છે. ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડ કંપનીઓમાંથી 100 જેટલી કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે.

LEAVE A REPLY

five × one =