હાઈકોર્ટ ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સે ભારતના વિવાદાસ્પદ બિઝનેસમેન વિજય માલ્યાની એક્સ્ટ્રાડિશન વિરૂદ્ધની અપીલ સોમવાર, 20 એપ્રિલે ફગાવી દીધી હતી. હવે તેની પાસે યુકેની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે 14 દિવસનો સમય છે. આ રીતે, તેને હવે ભારતને હવાલે કરવાનો કેસ નિર્ણાયક તબક્કાની વધુ નજીક પહોંચી ગયો છે.
જો તે અપીલની અરજી કરશે તો યુકેની હોમ ઑફિસ તે અપીલના પરિણામની રાહ જોશે.

જો તે અપીલ પણ કાઢી નાંખવામાં આવશે તો માલ્યાને ભારતને સોંપી દેવાનો અંતિમ નિર્ણય યુકેના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સમક્ષ જશે. પરંતુ તે અપીલ નહીં કરે તો ભારત-યુકે પ્રત્યાર્પણ સંધિ હેઠળ માલ્યાને 28 દિવસની અંદર ભારતને સોંપી દેવામાં આવશે. લંડનની રૉયલ કોર્ટ્સ ઑફ જસ્ટિસની અપીલની અધ્યક્ષતા હેઠળની બે સભ્યોની બેંચના લોર્ડ જસ્ટિસ સ્ટીફન ઇરવિન અને જસ્ટિસ એલિઝાબેથ લેઇંગે અપીલ ફગાવી દીધી હતી.

માલ્યા સામેના ભારત સરકારના કેસ અંગેના દસ્તાવેજોના આધારે, ન્યાયાધીશોએ કહ્યું હતું કે તેઓને જાણવા મળ્યું  હતુ કે ‘’કાવતરાખોરો વચ્ચે કાવતરાના પરિણામે કિંગફિશર એરલાઇનની નબળી નાણાકીય હાલત, ઓછી ક્રેડિટ રેટિંગ, નકારાત્મક નેટવર્થ હોવા છતાં પણ લોન આપવામાં આવી હતી.’’ હાઈકોર્ટે તારણ કાઢ્યુ હતું કે, ગેરરીતિ, કાવતરું અને મની લોન્ડરિંગ અંગેનો પ્રાઇમાફેસી કેસ છે.

ભારતની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) માટે આ મોટી સફળતા છે. માલ્યા એપ્રિલ 2017માં પ્રત્યાર્પણના વૉરંટના આધારે ધરપકડ થયા પછી યુકેમાં જામીન પર છે. ડિસેમ્બર 2018માં લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે તેને ભારત મોકલી આપવા આદેશ કરતાં પ્રત્યાર્પણની વિરુદ્ધ માલ્યાએ ઉચ્ચ અદાલતમાં અપીલ કરી હતી.

વિજય માલ્યા માર્ચ, 2016માં ભારતથી ઈંગ્લેન્ડ ભાગી આવ્યો હતો અને ત્યારથી તેને ભારત સરકારને સોંપી દેવાની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. એપ્રિલ, 2017માં તેને એરેસ્ટ કરાયો હતો.ભારતના 64 વર્ષના બિઝનેસમેન સામે ભારતીય બેંકો પાસેથી પોતાની કિંગફિશર એરલાઈન્સ માટે લીધેલી રૂ. 9000 કરોડની લોનની પરત ચૂકવણીમાં કસુર બદલ નાણાંકિય અપરાધો અંગે ભારતમાં કેસ ચાલી રહ્યો છે.

એરેસ્ટ થયા ત્યારથી જામીન ઉપર મુક્ત રહેલા વિજય માલ્યાએ થોડા દિવસો પહેલા જ તા. 31 માર્ચે ટ્વીટ કર્યું હતું કે, “મેં વારંવાર ભારતીય બેંકોને ઓફર કરી છે કે, કિંગફિશર એરલાઈન્સ પાસેથી તેમના લેણાની મૂળ રકમ પુરેપુરી ચૂકવી આપવા હું તૈયાર છું. પણ નથી તો બેંકો તેમના નાણા પાછા મેળવવા ઈચ્છતી કે નથી તો ભારતનું એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ બેંકોના કહેવાથી ટાંચમાં લીધેલી મારી અને કંપનીની મિલકતો મુક્ત કરવા તૈયાર થતુ. હું ઈચ્છું છું કે, ભારતના નાણાંપ્રધાન તો આ કટોકટીના કપરા કાળમાં મારી વાત સાંભળે.”