Vinod Adani declared world's richest expatriate Indian

ભારતના મોખરાના બિઝનેસ હાઉસ-અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના મોટાભાઇ અને બિઝનેસમેન વિનોદ શાંતિલાલ અદાણી સૌથી ધનિક વિદેશવાસી ભારતીય જાહેર થયા છે. IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022 મુજબ વિનોદ અદાણી રૂ. 1.69 લાખ કરોડની સંપત્તિ સાથે ભારતીય ધનિકોની યાદીમાં છઠ્ઠા સ્થાને છે. આ વર્ષે 94 લોકોનો વિદેશવાસી ધનિક ભારતીયોની યાદીમાં સમાવેશ થયો છે, જેમાં વિનોદ અદાણી પ્રથમ ક્રમે છે. જ્યારે હિન્દુજા બ્રધર્સ ને રૂ. 1.65 લાખ કરોડની સંપત્તિ સાથે યાદીમાં દ્વિતીય સ્થાને છે. આ ધનિકોમાં 48 ઇન્ડિયન અમેરિકન છે.
જય ચૌધરી કુલ રૂ. 70 હજાર કરોડની સંપત્તિ સાથે સૌથી ધનિક ઇન્ડિયન અમેરિકન છે. વિનોદ અદાણી દુબઇમાં રહે છે. તે સિંગાપોર, દુબઇ અને જાકાર્તા ખાતેનો ટ્રેડિંગ બિઝનેસ સંભાળે છે. તેમણે 1976માં મુંબઇમાં ખાતે કાપડનો બિઝનેસ શરૂ કર્યો હતો અને પછી સિંગાપોરમાં તેનું વિસ્તરણ કર્યું હતું. વિનોદ અદાણી 1994માં દુબઇ સ્થાયી થયા પછી ત્યાંના દેશોમાં પણ બિઝનેસ શરૂ કર્યો હતો. ગયા વર્ષે તેમની સંપત્તિમાં રૂ.37,400 કરોડનો વધારો થયો છે, જે 28 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. એટલે કે, વિનોદ અદાણીએ ગત વર્ષે દરરોજ સરેરાશ અંદાજે રૂ. 102 કરોડની કમાણી કરી હતી. વિનોદ અદાણીની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં 850 ટકાનો વધારો નોંધાયો છે. ગૌતમ અદાણી અને તેમના પરિવારની સંપત્તિમાં પાંચ વર્ષમાં 15.4 ગણો વધારો થયો છે ત્યારે વિનોદ અદાણી અને તેમના પરિવારની સંપત્તિ 9.5 ગણી વધી છે. ઉલ્લેખનીય છે કે, હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં ગૌતમ અદાણીએ રૂ. 10,94,400 કરોડની સંપત્તિ સાથે પ્રથમવાર મોખરાનું સ્થાન મેળવ્યું હતું. રિચ લિસ્ટમાં જણાવ્યા મુજબ ગત વર્ષે તેમની સંપત્તિમાં રોજ રૂ. 1600 કરોડનો વધારો થયો હતો.

LEAVE A REPLY

four × 2 =