ભારતીય ટપાલ વિભાગે તેની પ્રતિષ્ઠિત રજિસ્ટર્ડ પોસ્ટ સેવા પહેલી સપ્ટેમ્બર 2025થી બંધ કરવાની જાહેરાત કરી હતી. આની સાથે 50 વર્ષના યુગનો અંત આવશે. રજિસ્ટર્ડ પોસ્ટ આશરે 50 વર્ષથી વિશ્વસનીય અને સસ્તી સેવા તરીકે જાણીતી હતી. આ સેવાનો ઉપયોગ નોકરીની ઓફર, કાનૂની સૂચનાઓ અને સરકારી પત્રવ્યવહાર જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો પહોંચાડવા માટે થતો હતો
1 સપ્ટેમ્બરથી રજિસ્ટર્ડ પોસ્ટ સેવાને હવે સ્પીડ પોસ્ટમાં મર્જ કરાશે. હવે ગ્રાહકોને પાર્સલ મોકલવા માટે ફક્ત સ્પીડ પોસ્ટની સુવિધા જ મળશે. પોસ્ટ વિભાગે જણાવ્યું છે કે આ નિર્ણય પછી પોસ્ટ સર્વિસ ઝડપી અને આધુનિક બનશે.રજિસ્ટર્ડ પોસ્ટ સેવાની સુવિધા વર્ષ 1854થી શરુ કરાઈ હતી. તેના દ્વારા ગ્રાહકો જરુરી ડોક્યુમેન્ટની સાથે કિંમતી સામાન મોકલી શકતા હતા.
પોસ્ટ વિભાગના વર્ષ 2011-12ના સત્તાવાર આંકડા મુજબ, પ્રતિ વર્ષ રજિસ્ટર્ડ પોસ્ટની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 2011-12માં રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલાતી ચીજવસ્તુ(આર્ટિકલ) 24 કરોડથી ઘટીને 2019-20માં 18 કરોડ થઈ ગઈ. 25 ટકાનો ઘટાડો ચોખ્ખો દેખાયો છે. સ્પીડ પોસ્ટ સેવાના દર આ પ્રમાણે રહેશે, જેમાં 50 ગ્રામના પાર્સલ માટે 200 કિ.મીના અંતરથી ઉપર રૂ. 35, 200 ગ્રામના પાર્સલ માટે 200થી 1000 કિમી માટે રૂ. 40, 1000થી 2000 કિમી સુધી માટે રૂ. 60 અને 2000 કિમીથી ઉપર માટે રૂ.70 ચાર્જ લાગશે. 201-500 ગ્રામના પાર્સલ માટે 200 કિમીના અંતર સુધી રૂ. 50, 1000 કિમી સુધી રૂ. 60, 2000 કિમી સુધી રૂ. 80 અને 2000 કિમીથી ઉપર માટે રૂ. 90 ચાર્જ લાગશે. પ્રતિ 500 ગ્રામ વધવા પર 200 કિમી સુધી રૂ.15, 1000 કિમી સુધી રૂ.30, 2000 કિમી સુધી રૂ.40 અને 2000 કિમીથી ઉપર માટે રૂ.50 પોસ્ટ વિભાગ લેશે.
