યુકે દ્વારા સીટીઝનશીપ, વિઝિટર અને સ્ટુડન્ટ માટેની વિઝા ફીમાં સૂચિત વધારાનો અમલ સંસદીય મંજૂરીને આધીન રહીને આગામી ચાર ઓક્ટોબરથી કરવામાં આવનાર છે. જેના કારણે ભારત સહિતના વિશ્વભરના પ્રવાસીઓએ છ મહિનાથી ઓછા સમયના યુકેના વિઝિટર વિઝા માટે £15ના વધુ ખર્ચ સાથે કુલ 115 પાઉન્ડની વિઝા ફી ભરવી પડશે. આ ઉપરાંત સ્ટુડન્ટ વિઝા માટે £127ના વધારા સાથે યુકેના સ્ટુડન્ટ વિઝાની ફી કુલ £490 થશે.

વડાપ્રધાન સુનકે કહ્યું કે માઈગ્રન્ટ લોકો યુકે આવે ત્યારે વિઝા માટે જે ચાર્જ ચુકવે છે તેમાં વધારો કરવામાં આવશે. યુકે દ્વારા મોટા ભાગના વર્ક અને વિઝિટર વિઝાની ફીમાં 15 ટકાનો વધારો કરવા નિર્ણય લેવાયો છે. પ્રાયોરિટી વિઝા, સ્ટડી વિઝા અને સ્પોન્સરશિપના સર્ટિફિકેટમાં ઓછામાં ઓછા 20 ટકાનો વધારો કરવામાં આવશે. સરકાર તમામ ફીમાં વધારો કરી £1 બિલિયનથી વધુ રકમ એકત્ર કરનાર છે.

યુકેમાં હાલમાં સરકાર અને પબ્લિક સેક્ટરના સાહસો વચ્ચે વેતનના મામલે ખેંચતાણ ચાલે છે. અહીં નેશનલ હેલ્થ સર્વિસમાં કામ કરતા લોકો વધારે વેતનની માંગણી સાથે વારંવાર હડતાલની ધમકી આપે છે. જેના કારણે વડાપ્રધાન સુનક આવક વધારવા માટે નવા રસ્તા શોધી રહ્યા છે. જુલાઈ મહિનામાં સુનકે કહ્યું હતું કે NHSના ખર્ચને ટેકો આપવા વિઝા અરજદારો દ્વારા ચુકવવામાં આવતા હેલ્થ સરચાર્જ અને ફીમાં વધારો કરવામાં આવશે.

હોમ ઓફિસે આ ફી વધારાને યોગ્ય ગણાવતા કહ્યું હતું કે ‘’ઇમિગ્રેશન અને નેશનાલિટી સિસ્ટમ ચલાવવા માટે ફીની આવકમાં વધારાથી ઘણો ફાયદો થશે. ફી નક્કી કરતી વખતે ઘણી બાબતો વિચારવામાં આવે છે, જેથી યુકેના કરદાતાઓ પર ઓછો ટેક્સ બોજ આવે. આ ફી વધારો અલગ અલગ કેટેગરીમાં લાગુ થશે. જેમાં હેલ્થ અને કેર વિઝા, બ્રિટિશ સિટિઝનશિપ માટે એપ્લિકેશન, નેચરલાઇઝેશન્સ, એન્ટ્રી ક્લીયરન્સ, ઇન્ડેફીનેટ લીવ ટુ રિમેઇન, અને છ મહિના, બે વર્ષ, પાંચ વર્ષ અને દશ વર્ષની વિઝિટર વિઝા માટેની ફીનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

20 − 8 =