હ્યુમાનિટી ટૂર પર નીકળેલા ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ હાઇડ પાર્ક લંડનના પ્રખ્યાત સ્પીકર કોર્નર ખાતે ભારતીય ડાયસ્પોરાના વિશાળ જનસમૂહ સમક્ષ યોજાયેલા તેમના છેલ્લા પ્રવચનમાં ‘’હિંદુઓને એક થવા અને ધર્મનો શાંતિપૂર્ણ સંદેશ ફેલાવવા માટે અનુરોધ કરતાં જણાવ્યું હતું કે ‘’લગભગ એક હજાર વર્ષ સુધી વિદેશી શાસકો દ્વારા લૂંટાવા છતાય આપણે આઝાદીના ફળ દરેક સાથે વહેંચ્યા હતા અને બધાને સમાન અધિકાર આપ્યા હતી.”

વિવેક અગ્નિહોત્રીએ હિન્દુ સમુદાયની ઉદાર અને બિનસાંપ્રદાયિક નીતિના વૈશ્વિકીકરણ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે ‘’મૂવી ધ કાશ્મીર ફાઇલ્સે કાશ્મીરમાં હિંદુઓની સાંપ્રદાયિક હત્યાઓ બાબતે જન હિતને જાગૃત કરી યુગોસ્લાવિયામાં જે રીતે એથનિક ક્લીન્સીંગ થયું તેવું જ કાશ્મીરમાં થયું હતું તે દર્શાવી ચર્ચા શરૂ કરી છે. પશ્ચિમને કહેવું જોઈએ કે અમે નરસંહાર નથી કરતા. અમે અન્ય ધર્મોના આધ્યાત્મિક કેન્દ્રોને તોડતા નથી. અમે અમારા બાળકોને બ્રેઈનવોશ કરતા નથી.’’

અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે “અમે અમારા દેવોની પૂજા કરીએ છીએ. તમે અમારા ભગવાનની પૂજા બંધ કરાવશો તો, અમે વૃક્ષોની પૂજા કરીશું, તે બંધ કરાવશો તો આકાશની પૂજા કરશુ. તેમ કરતા રોકશો, તો અમે ધ્યાન કરશું. આ જ ધર્મ છે અને તેનો જ તેમને ડર છે.’’

તેમણે લોકોને આતંકવાદનો સામનો કરવા અને સમગ્ર વિશ્વમાં ધર્મનો સંદેશ ફેલાવવાની પ્રતિજ્ઞા લેવડાવવા અપીલ કરી હતી. ઉપસ્થિત ડાયસ્પોરાએ પણ ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.

કાશ્મીર ફાઇલ રીલીઝ થયા બાદ કટ્ટરપંથી જૂથો દ્વારા અપાયેલી ધમકીને પગલે અગ્નિહોત્રી અને તેમની એક્ટર પત્ની પલ્લવી જોશી બોડીગાર્ડ્સ સાથે આવ્યા હતા અને સ્થાનિક પોલીસ પણ સુરક્ષા માટે ઉપસ્થિત રહી હતી.

વિવેક અગ્નિહોત્રીના સમર્થનમાં કોલેજના વિદ્યાર્થીઓથી લઈને વૃદ્ધો સુધીના લોકો મોટી સંખ્યામાં ભારતીયો સ્કોટલેન્ડ, લેસ્ટર બર્મિંગહામ, માંચેસ્ટર, કાર્ડીફ, બ્રિસ્ટોલ અને લંડનના વિવિધ વિસ્તારોમાંથી ભારતીય ત્રીરંગા સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમના આ પ્રવાસ દરમિયાન વિવિધ શહેરોમાં પણ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અને તેને લંડનની સંસ્થાઓ અને ભારતીય ડાયસ્પોરા દ્વારા અદ્ભૂત સમર્થન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અને તેમની સુરક્ષા માટે સામુહિક રીતે ફંડીંગ પણ કરાયું હતું.

આ પ્રસંગે તેમના વિરોધીઓની મોટી ભીડ પણ સ્થળ પર એકઠી થઈ હતી. ઘણા લોકો ઉપસ્થિત સમર્થકો સાથે દલીલમાં પડ્યા હતા અને ધક્કા મૂક્કી કરી હતી.