મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ઝૂંપડપટ્ટી વિસ્તારોને પણ નલ સે જલ યોજના અન્વયે આવરી લેવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે
મુખ્યપ્રધાને વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીમાં આદિવાસી પરિવારોને સ્વજલધારા અને સેકટર રિફોર્મ યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરની ચર્ચામાં સહભાગી થતાં આ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા પરથી સમગ્ર દેશમાં ‘નલ સે જલ’ યોજના હેઠળ ઘરે-ઘરે નળથી પાણી આપવાની યોજના અંગે જાહેરાત કરી, સમગ્ર દેશને પાણીજન્ય રોગોથી મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. વર્ષ ૨૦૨૪ સુધીમાં સમગ્ર દેશમાં ‘નલ સે જલ’ યોજના હેઠળ ઘરે ઘરે પાણી પહોંચે તેવો લક્ષ્યાંક અપાયો છે ત્યારે ગુજરાતમાં આ યોજના વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાનો અમારો લક્ષ્યાંક છે એમ તેમણે ઉમેર્યું હતું. એટલું જ નહી આ યોજના હેઠળ રાજ્યના ઝુંપડપટ્ટી વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે.તેમણે ઉમેર્યું કે, સૌરાષ્ટ્ર પંથકમાં ક્ષારયુક્ત પાણીને કારણે પથરી, ઉત્તર ગુજરાત વિસ્તારમાં ક્લોરાઈડયુક્ત પાણીને કારણે હાથીપગો કે દાંત પીળા પડી જવા સહિતના રોગોનો સતત સામનો કરવો પડ્યો છે. સમગ્ર રાજ્યને ૧૦૦ ટકા ફિલ્ટર્ડ પાણી મળી રહે તે દિશામાં અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત ‘નલ સે જલ’ યોજનાની ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.
આજ દિન સુધીમાં રાજ્યમાં ૮૨ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે બાકીના ૧૮ બાકી રહેલ વિસ્તારોમાં ડુંગરાળ વિસ્તારોનો સમાવેશ થાય છે. ડુંગરાળ આદિવાસી વિસ્તારોમાં લિફ્ટ ઈરીગેશન થકી ‘નલ સે જલ’ યોજના નેટવર્ક પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે જે આગામી ૧૭ મહિનામાં પૂર્ણ કરી દેવાનો અમારો લક્ષ્યાંક છે.