ભુતાનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 11 નવેમ્બરે ભારપૂર્વક જણાવ્યું હતું કે દિલ્હી બ્લાસ્ટ પાછળના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે. સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓને પૂરી સૂચના આપવામાં આવી છે કે તેઓ નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચે અને દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત કરે.
ભૂતાનની રાજધાની થિમ્પુમાં વડાપ્રધાનને જણાવ્યું હતું કે આજે હું ભારે મનથી અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો હતો. હું પીડિત પરિવારોના દુઃખને સમજું છું. આજે સમગ્ર દેશ તેમની પડખે ઊભો છે. ગઈકાલ રાતે હું દરેક તપાસ એજન્સી અને મહત્ત્વપૂર્ણ અધિકારીઓના સંપર્કમાં હતો. વિચારવિમર્શ ચાલી રહ્યાં હતાં. તમામ ઘટનાઓની લિંક જોડી રહ્યાં હતા. અમારી તપાસ એજન્સીઓ આ કાવતરાના ઊંડાણ સુધી જશે અને આ કાવતરા પાછળના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે.’
મોદીએ જણાવ્યું હતું કે ‘આ દુર્ઘટનામાં જે પરિવારોએ પોતાના પ્રિયજન ગુમાવ્યા છે, તે તમામના દુઃખમાં સમગ્ર દેશ સહભાગી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી અને ઘાયલ વ્યક્તિઓ જલદી સાજી થાય તેવી કામના વ્યક્ત કરી હતી.
દિલ્હી બ્લાસ્ટ ત્રાસવાદી હુમલો હતો કે નહીં તેની હજુ કોઇ સ્પષ્ટતા કરાઈ નથી, પરંતુ તપાસ એજન્સીઓએ ત્રાસવાદ વિરોધી કાયદા હેઠળ તપાસ ચાલુ કરી હતી.
બીજી તરફ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે એજન્સીઓ ઝડપી અને સંપૂર્ણ તપાસ કરી રહી છે અને તારણો ટૂંક સમયમાં જાહેર કરાશે.
અગાઉ એપ્રિલમાં, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં હિન્દુ પ્રવાસીઓ પર થયેલા હુમલામાં 26 લોકોના મોત બાદ, મોદીએ સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવીને અને સ્વદેશ પરત ફર્યા હતો. આ પછી પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર કાર્યવાહી કરાઈ હતી.












