પ્રસ્તુત તસવીરમાં ડાબેથી ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડ, ઇકોનોમિક મિનિસ્ટર વોન ગેથિંગ, હેલ્થ મિનિસ્ટર બેરોનેસ એલ્યુનડ મોર્ગન, રાજ અગ્રવાલ અને ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સુજીત ઘોષ નજરે પડે છે.

રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટીના ફેલો અને એશિયન ફાર્માસિસ્ટ રાજ અગ્રવાલે કાર્ડિફમાં પોન્ટકન્નાના ગ્લેમોર્ગન ક્રિકેટ ક્લબ ખાતે યોજાયેલ ભારત સરકારના સત્તાવાર દિવાળી મહોત્સવ કાર્યક્રમમાં આવતા વર્ષે વેલ્સ અને ભારતની નવી આર્થિક પહેલ માટેની યોજનાની જાહેરાત કરી હતી.

રાજ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘’આ પહેલ પાછળનો ઉદ્દેશ્ય બંને રાષ્ટ્રો વચ્ચે વધુ આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો બનાવવાનો છે. આ યોજના ભારતમાં સેન્ટ ડેવિડ ડે (1લી માર્ચ 2024) ની આસપાસ લોન્ચ થશે અને બંને રાષ્ટ્રો વચ્ચે વધુ મજબૂત કડીઓ બનાવવા માટે દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ સહિત સંખ્યાબંધ શહેરોમાં અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકોની મુખ્ય થીમ્સમાં વેપાર અને રોકાણ, શિક્ષણ, સંસ્કૃતિ અને આરોગ્યનો સમાવેશ થશે. આ એક શ્રેષ્ઠ તક છે. આગામી વર્ષોમાં વધુ સહકાર સુનિશ્ચિત કરવા માટે અમારા સંબંધોને મજબૂત કરીએ.”

તેમણે ઉમેર્યું હતું કે “આજે રાત્રે અહીં ભારતીય વિદ્યાર્થીઓને જોઈને મને આનંદ થયો કે જેઓ વેલ્સની તમામ આઠ યુનિવર્સિટીઓમાં ભણે છે. હાલમાં 2,200થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ વેલ્સની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા છે. 2016થી 200 ટકાથી વધુનો વધારો થયો છે, જેનાથી અમારી શૈક્ષણિક સંસ્થાઓને આશરે £200 મિલિયનની આવક થઇ છે. હું પોતે કાર્ડિફ યુનિવર્સિટીનો સ્નાતક હતો અને આ દેશમાં મેં જે શિક્ષણ મેળવ્યું છે તેના માટે હું ખૂબ ઋણી છું.”


વેલ્સ ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડ, હેલ્થ મિનિસ્ટર બેરોનેસ એલ્યુનડ મોર્ગન, ઈકોનોમી મિનિસ્ટર વોન ગેથિંગ અને ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સુજીત ઘોષે હાજરી આપી પ્રસંગીક વક્તવ્ય આપ્યું હતું.

દિવાળીની ઉજવણીમાં સેંકડો મહેમાનોએ હાજરી આપી પરંપરાગત ભારતીય સંગીત, નૃત્ય અને ભોજનની મોજ માણી હતી.

આ ઈવેન્ટમાં વેલ્સની મોટી ભારતીય કંપનીઓના કેટલાક પ્રતિનિધિઓ તેમજ કેટલાક ભારતીય સ્ટાર્ટ-અપ્સે પણ હાજરી આપી હતી.

LEAVE A REPLY

eight + 8 =