અમેરિકા સાથે ભારતના કથળેલા સંબંધો વચ્ચે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન ગુરુવાર 4 ડિસેમ્બરથી ભારતની બે દિવસની મુલાકાતે આવશે. ભારત અને રશિયા વચ્ચે વર્ષો જૂના સંબંધોને કારણે જ નહીં, પરંતુ યુક્રેન-રશિયા યુદ્ધને કારણે આ પુતિનની આ મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે. પુતિનની આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારીને મજબૂતનો કરવાનો છે, પરંતુ તેના પર વિશ્વભરના અને ખાસ કરીને પશ્ચિમ દેશોની ચાંપતી નજર રહેશે.
પુતિનના માનમાં વડાપ્રધાન નરેન્દ્ર એક ખાનગી રાત્રિભોજનનું આયોજન કરશે. શુક્રવારે પુતિનનું ઔપચારિક સ્વાગત કરાશે. આ પછી હૈદરાબાદ હાઉસમાં હૈદરાબાદ હાઉસ 23મી ભારત-રશિયા સમિટ યોજાશે. મોદી અને પુતિન વચ્ચેની શિખર મંત્રણામાં સંરક્ષણ સંબંધોને વેગ, બાહ્ય દબાણથી દ્વિપક્ષીય વેપારને સુરક્ષિત કરવાના તથા નાના મોડ્યુલર રિએક્ટરમાં સહયોગ જેવા મુખ્ય મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરાશે.
શિખર સંમેલન પછી, પુતિન રશિયન સરકારની બ્રોડકાસ્ટિંગ કંપનીની નવી ભારત ચેનલ લોન્ચ કરશે. આ પછી તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમના સન્માનમાં આયોજિત સત્તાવાર ભોજન સમારંભમાં હાજરી આપશે.
મોદી-પુતિન વાટાઘાટો પછી, બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થવાની ધારણા છે. તેમાં ભારતીય શ્રમિકોને રશિયામાં સરળ પ્રવેશ તથા સંરક્ષણ સહયોગના વ્યાપક માળખા હેઠળ લોજિસ્ટિકલ સપોર્ટનો પણ સમાવેશ થાય છે. બંને દેશોના સંરક્ષણ પ્રધાનો ગુરુવારે વ્યાપક વાટાઘાટો કરશે. તેમાં રશિયા પાસેથી વધુ S-400 મિસાઇલ સિસ્ટમ અને અન્ય મહત્વપૂર્ણ લશ્કરી હાર્ડવેરની ખરીદીનો કરાર થવાની ધારણા છે. ઓપરેશન સિંદૂર દરમિયાન S-400 મિસાઇલ સિસ્ટમ ખૂબ જ અસરકારક સાબિત થઈ હતી.
આ શિખર બેઠકમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની મોટી માત્રામાં ખરીદીને કારણે વધી રહેલી વેપાર ખાધનો મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. સાથે જ, અમેરિકી પ્રતિબંધોની ભારત દ્વારા રશિયન તેલની ખરીદી પર થતી અસર વિશે પણ ચર્ચા થશે. પુતિન યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકાના પ્રયાસો વિશે મોદીને માહિતગાર કરશે.
આ ઉપરાંત, ફાર્મા, કૃષિ, ખાદ્ય ઉત્પાદનો અને ગ્રાહક વસ્તુઓના ક્ષેત્રોમાં રશિયામાં ભારતીય નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. ભારત ખાતર ક્ષેત્રે પણ સહયોગ વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે, કારણ કે રશિયા દર વર્ષે ભારતને 30થી 40 લાખ ટન ખાતર પૂરું પાડે છે.
શિખર બેઠક પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોઉસોવ વચ્ચે ગુરુવારે વ્યાપક વાર્તાલાપ થશે. આ વાર્તાના મુખ્ય એજન્ડામાં S-400 મિસાઇલ પ્રણાલીની ખરીદી, સુખોઈ 30 ફાઇટર જેટના અપગ્રેડેશન અને અન્ય મહત્ત્વપૂર્ણ સૈન્ય સામાનની ખરીદીમાં ભારતની રુચિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.














