વોટ્સએપે નવી પ્રાઇવસી પોલિસીના અમલને 15 મે સુધી મોકૂફ રાખ્યો હતો. વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીથી દુનિયાભરના કરોડો લોકો નારાજ થયા હતા અને તેના યુઝર્સ હરીફ કંપનીઓ ખેંચી જશે તેવી ચિંતાને પગલે કંપનીએ આ નિર્ણય કર્યો હતો. વોટ્સએપની નવી પોલિસીથી તેની માલિક કંપની ફેસબૂકને યુઝર્સનો તમામ ડેટા મળશે તેવી ઊભી થયેલી ગેરસમજને દૂર કરવા માટે કંપની પ્રયાસ કરશે.

ટ્સએપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરીની 8મીએ કોઇએ પોતાના વોટ્સએપ એકાઉન્ટને ડિલિટ નહીં કરવું પડે. અમે કોઇ પણ એકાઉન્ટને ડિલિટ કરવાનો નિર્ણય લીધો નથી અને ભવિષ્યમાં પણ આવી કોઇ યોજના અમે હાથ ધરવાના નથી.
ફેસબુકના માલિકો દ્વારા સંચાલિત આ એપના મેનેજમેન્ટે વધુમાં કહ્યું કે પ્રાઇવસી અને સિક્યોરિટી કેવી રીતે કામ કરે છે એ બાબતમાં લોકોને વધુ જાણ કરવા અમે નજીકના ભવિષ્યમાં કેટલાક પગલાં હાથ ધરવાના છીએ. 15મી મેએ અમારી નવી પોલિસીના અમલ અંગે જાહેરાત કરવામાં આવશે. ત્યાં સુધી કોઇએ પોતાના એકાઉન્ટને ડિલિટ કરવાની જરૂર નથી.
કંપનીએ એવો દાવો કર્યો હતો કે પ્રાઇવસી પોલિસી અંગે અમારા યુઝર્સમાં કેટલીક ગેરસમજ પ્રવર્તી રહી હતી. આ ગેરસમજ દૂર કરવા અમે ત્રણ મહિના માટે નવી પ્રાઇવસી પોલિસીનો અમલ કરીશું નહીં. 15મી મેએ નવો અપડેટ ઓપ્શન ઉપલબ્ધ થાય એ પહેલાં અમે લોકોના મનમાં જે ગેરસમજ છે એ દૂર કરવાનાં પગલાં લઇશું.
કંપનીએ અગાઉ જાહેરાત કરી હતી કે દરેક યુઝર્સે નવી પ્રાઇવસી પોલિસી સ્વીકારવી પડશે અથવા ફેબ્રુઆરીની આઠમીએ તેમનું એકાઉન્ટ ડિલિટ થશે. ઘણા યુઝર્સે ફેબ્રુઆરીનીરાહ જોવાને બદલે અત્યારે જ ટેલિગ્રામ એપ અપનાવવા માંડી હતી.