(Photo by NARINDER NANU/AFP via Getty Images)

બોલીવૂડમાં એવા ઘણા પડદા પાછળના ફિલ્મકારો છે કે, જેમણે જે સપનું જોયું તે તો પૂર્ણ ન થયું હોય, પણ હકીકતમાં તેમણે જે મેળવ્યું હોય તે સપના જેવું લાગે છે. નાગપુરથી અભિનય માટે મુંબઈ પહોંચેલો એક યુવક અભિનયમાં તો સફળ ન થયા પરંતુ ડાયરેક્ટર તરીકે સુપરહીટ સાબિત થયા. રાજ કપૂર પછી તેમને શૉ મેનનું બિરુદ મળ્યું. આ વાત છે સુભાષ ઘાઈની, તેમણે ગત સપ્તાહે તેમનો 79મો જન્મ દિન ઉજવ્ય હતો.

સુભાષ ઘાઈએ ડાયરેક્ટર બનતા પહેલા અભિનયમાં હાથ અજમાવ્યો હતો. તેમની પ્રથમ ફિલ્મ આરાધના હતી. જોકે, સુભાષે આ ફિલ્મ મેળવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે તેને સ્ટુડિયોમાં પ્રવેશવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી, કારણ કે તે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી નથી અને લોકો તેને ઓળખતા પણ નથી. પરંતુ તેમણે હાર ન માની. એક દિવસ તેને યુનાઈટેડ પ્રોડ્યુસર્સ ફિલ્મફેર ટેલેન્ટ કોન્ટેસ્ટમાં ભાગ લેવાનો મોકો મળ્યો અને 5000 સ્પર્ધકોમાંથી તેમને અંતિમ ત્રણ લોકોમાં સ્થાન મળ્યું હતું. આ ત્રણ લોકોમાં સુભાષ, રાજેશ ખન્ના અને ધીરજ કુમારનો સમાવેશ થયો હતો.

આમ છતાં સુભાષ ઘાઈને ફિલ્મ મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. એક તરફ રાજેશ ખન્નાને તરત જ ફિલ્મોમાં કામ મળી ગયું, જ્યારે સુભાષને એક વર્ષ પછી ફિલ્મ આરાધનાથી પદાર્પણ કરવાની તક મળી. આ પછી તે ઉમંગ અને નાટક જેવી ફિલ્મોમાં જોવા મળ્યો. સુભાષ ઘાઈ એક્ટર તરીકે ચમક્યા નહોતા. તેણે વાર્તાઓ લખવાનું અને તેનું વિતરણ કરવાનું શરૂ કર્યું હતું.

કોઈપણ અનુભવ વગર તેમણે સુભાષે વર્ષ 1976માં કાલીચરણથી દિગ્દર્શનની શરૂઆત કરી હતી. આ એક્શન ડ્રામા ફિલ્મમાં શત્રુઘ્ન સિન્હા, રીના રોય અને અજીત ખાન મુખ્ય ભૂમિકામાં હતા. એવું કહેવાય છે કે એનએન સિપ્પીની મંજૂરી પહેલા આ ફિલ્મ સાત વખત રિજેક્ટ થઇ હતી. અંતે સિપ્પીએ સુભાષને તક આપી અને ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી. સુભાષ ઘાઈએ 2016 સુધી કુલ 16 ફિલ્મોનું દિગ્દર્શન કર્યું, જેમાંથી મોટાભાગની હિટ રહી. તેમણે લગભગ 31 ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.

નિર્માતા તરીકે તેમની મોટાભાગની ફિલ્મો સરેરાશ રહી છે. સુભાષ ઘાઈએ છેલ્લે ’36 ફાર્મહાઉસ’ (2022)નું નિર્માણ કર્યું હતું. હીરો, ખલનાયક, પરદેશ, તાલ જેવી તેમની ફિલ્મોએ સંગીત અને બોલીવૂડને નવા કલાકારો આપ્યા અને આ સાથે અમુક કલાકારોની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મો તેમની સાથેની રહી છે.

LEAVE A REPLY

seven − six =