વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 37 લાખ 26 હજાર 668 લોકો સંક્રમિત છે. જ્યારે બે લાખ 58 હજાર 295 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે 12 લાખ 41 હજાર 908 લોકો સાજા થઈ ચૂક્યા છે. હોંગકોંગના અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે દેશમાં સંક્રમણ શરૂ થવાથી અત્યાર સુધીમાં એક લાખ 73 હજારથી વધુ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

જ્યારે ઈરાનમાં સંક્રમિતોની સંખ્યા એક લાખની નજીક પહોંચી છે. યુરોપમાં ઈટલી(29,315) પછી હવે બ્રિટન મહામારીનું કેન્દ્ર બનતું જઈ રહ્યું છે. અહીં સૌથી વધુ 29 હજાર 427 લોકોના મોત થઈ ચૂક્યા છે. યુરોપમાં બ્રિટન, ઈટલી, સ્પેન અને ફ્રાન્સમાં જ માત્ર એક લાખ 9 હજાર 886 લોકોના મોત થયા છે.

અમેરિકામાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય ન્યૂયોર્કમાં અત્યાર સુધીમાં 25 હજાર 204 લોકોના મોત થઈ ચૂક્યા છે. અહીં ત્રણ લાખ 30 હજાર 139 લોકો સંક્રમિત છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે મોડી રાતે બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં નર્સિંગ હોમમાં 1,600થી વધુ એવા મોતની માહિતી પ્રકાશમાં આવી છે, જેની માહિતી ન હતી. 3 મેના આંકડાઓ અનુસાર, નર્સિંગ હોમમાં 4813 લોકોના મોત થયા છે. નવા ડેટામાં નર્સિંગ હોમમાં એ લોકોને સામેલ કરવામાં આવ્યા છે, જેમના મોત હોસ્પિટલમાં થયા છે.

ઈટલીમાં મરનારાઓની સંખ્યા 29,315 થઈ ગઈ છે. અહીં અત્યાર સુધીમાં 2 લાખ 13 હજાર લોકો સંક્રમિત છે. અમેરિકા અને બ્રિટન બાદ સૌથી વધુ મોત ઈટલીમાં થયા છે. ઈટલીના નાગરિક સુરક્ષા વિભાગના પ્રમુખ એન્જેલો બોરેલીએ મંગળવારે જણાવ્યું કે 24 કલાકમાં 236 લોકોના મોત થયા છે. સોમવારે 195 લોકોના મોત થયા હતા. દેશમાં 10 માર્ચથી લાગુ લોકડાઉનને ત્રણ મે સુધી લંબાવવામાં આવ્યું હતું. બાદમાં કેટલીક દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી છે. ઈટલીમાં 21 ફેબ્રુઆરીએ પ્રથમ મામલો પ્રકાશમાં આવ્યો હતો.