ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફાઇલ ફોટો). (PTI Photo)

વર્લ્ડ ઇકોનોમિક ફોર્મ (WEF) પ્રેસિડન્ટ બોર્જ બ્રેન્ડેએ કોરોના મહામારી સામે ચપળ કામગીરી, તાજેતરની COP26 સમીટમાં ભારતની પ્રતિબદ્ધતા અને અર્થતંત્રને વેગ આપવા આપવા હાથ ધરવામાં આવેલા માળખાગત સુધારા બદલ મોદી સરકારની ભરપૂર પ્રશંસા કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવેલા એક લેખમાં તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ એશિયામાં પ્રાદેશિક સહકારને વેગ આપવામાં ભારત પાસે અજોડ તક અને મહત્ત્વની ભૂમિકા છે. તેનાથી ભારતમાં આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિની નવી તકોનું સર્જન થશે.

અર્થતંત્રના લાંબા ગાળાના ભાવિને મજબૂત બનાવવા માટે સરકારે છેલ્લાં કેટલાંક વર્ષમાં હાથ ધરેલા માળખાતગત સુધારાનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અને આત્મનિર્ભર ભારત મિશન જેવા પ્રોગ્રામમાં ભારતમાં પરિવર્તન લાવવાના સરકારના વિઝનનું પ્રતિબિંબ પડે છે.

મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર પર યોગ્ય ભાર મૂકવા બદલ સરકારની પ્રશંસા કરતાં બ્રેન્ડેએ જણાવ્યું હતું કે વૈશ્વિક સપ્લાય ચેઇનને ઉત્પાદક કંપનીઓના મૂળ દેશમાં જવાની અને ભૌગોલિક વૈવિધ્યીકરણ કરવાની હિલચાલ વચ્ચે ભારત વૈશ્વિક કંપનીઓ માટે સુરક્ષિત અને સ્થિર સ્થળ ઓફર કરે છે અને ભારત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગના મહત્ત્વનું હબ તરીકે ઊભરી શકે છે. ભારત વસતિવિષયક વિવિધતા, કુશળ માનવબળ, ટેકનોલોજિક જાણકારી તથા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની ક્ષમતા ધરાવે છે, તેનાથી તે વૈશ્વિક બજારમાં પોતાનું એક અનોખું મજબૂત સ્થાન ઊભું કરી શકે છે.

માળખાતગત સુવિધાને વેગ આપવા માટે રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ અને નેશનલ મોનેટાઇઝેશન યોજનાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે વિકાસનો આ વ્યાપક એજન્ડા બહુવિધ ક્ષેત્રોને મદદરૂપ બનશે. વિભિન્ન શ્રમ કાયદામાં સુસંગતતા, ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડનો મુસદ્દો અને બેન્કિંગ સુધારા સહિતના સુધારા વિવિધ ક્ષેત્રો માટે લાભદાયી બનશે. અંતરિક્ષ ક્ષેત્ર પર સરકારના નવેસરના ફોકસની સરાહના કરતાં તેમણે કહ્યું હતું કે ઇન્ડિયન સ્પેસ એસોસિયેશનની રચનાથી ભારતના આ ક્ષેત્રને વેગ મળશે.