અમેરિકામાં બાળકોમાં કોરોના રસીકરણ અભિયાનની ગતિ અંગેનો પ્રથમ સંકેત આપતા વ્હાઇટ હાઉસે બુધવારે જણાવ્યું હતું કે બાળકો માટે વેક્સિન ચાલુ થયાના પ્રથમ સપ્તાહમાં 5થી 11 વર્ષની ઉંમરના આશરે નવ લાખ બાળકોએ પહેલો ડોઝ લીધો હોવાનો અંદાજ છે.

અમેરિકાની નિયમનકારી સંસ્થાએ 2 નવેમ્બરે બાળકોને વેક્સિનનો ડોઝ આપવા માટે મંજૂરી આપી હતી. આ પછીના દિવસે કેટલાંક સ્થળો પર બાળકોમાં પ્રથમ ડોઝનો પ્રારંભ થયો હતો. આશરે 20,000 ફાર્મસી, ક્લિનિક્સ અને ફિઝિશિયન્સ વેક્સિનના ડોઝ આપી રહ્યાં છે. બાઇડન સરકારનો અંદાજ છે કે બુધવારના અંત સુધીમાં આશરે નવ લાખ બાળકોએ વેક્સિન લીધી હશે.

આ ઉપરાંત આગામી દિવસો માટે પ્રથમ ડોઝ માટે આશરે 7 લાખ એપોઇન્ટમેન્ટ લેવામાં આવી છે. અમેરિકામાં ફાઇઝરની વેક્સિન માટે 5થી 11 વર્ષના આશરે 2.8 કરોડ બાળકો લાયકાત ધરાવે છે. બાળકોમાં આગામી સપ્તાહના અંત સુધીમાં બીજા ડોઝનો પ્રારંભ કરવામાં આવશે. અમેરિકાએ ક્રિસ્મસ સુધીમાં બાળકોને વેક્સિનની સંપૂર્ણ સુરક્ષા આપવાની યોજના બનાવી છે. બાઇડન વહીવટીતંત્ર સ્કૂલોમાં વેક્સિન કાર્યક્રમો યોજવા માટે પ્રોત્સાહન આપી રહી છે, જેથી બાળકોને સરળતા રહે. વ્હાઇટહાઉસે સ્કૂલોને જણાવ્યું છે કે વેક્સિન અંગેની ગેરમાન્યતાને દૂર કરવા માટે ડોક્ટર્સ અને જાહેર આરોગ્ય અધિકારીઓની મદદ લેવામાં આવે.