ન્યૂયોર્ક અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે ટાઇમ્સ સ્ક્વેર ખાતે ભારતીય ડાયસ્પોરા(ANI Photo)

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિશ્વભરના હિન્દુઓએ પાર્થના, કાર રેલી, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરી હતી. અમેરિકામાં પ્રખ્યાત ટાઇમ્સ સ્કેવર ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઇવ સ્ટ્રિમિંગ કરાયું હતું.

નેપાળના દેવી સીતાના જન્મસ્થળ જનકપુરધામને શણગારવામાં આવ્યું હતું. મંદિર સત્તાવાળાઓએ જાનકી મંદિરને માળા અને ફૂલોથી શણગાર્યું હતું. જનકપુરધામના હિંદુઓએ  ફૂલોથી “જય સિયારામ” લખ્યું હતું. જનકપુરના ઘરો અને શેરીઓ રંગબેરંગી લાઇટો, કાગળના ધ્વજ, બેનરો અને તોરણોથી શણગારવામાં આવ્યાં હતા. પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસરની ઉજવણી માટે 1.25 લાખ જેટલા માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતાં.

રામ મંદિર ખાતે ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહના લાઇવ સ્ક્રીનિંગના સાક્ષી બનવા માટે ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે ભારતીય ડાયસ્પોરાના સભ્યો એકઠા થયા હતાં. આ આઇકોનિક સ્થાનને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. પરંપરાગત પોશાકમાં સજ્જ લોકોએ નૃત્ય કર્યું હતું અને ભજન ગાયા હતાં.

વોશિંગ્ટન ડીસીના સબર્બ વર્જિનિયાના ફેરફેક્સ કાઉન્ટીમાં એસવી લોટસ ટેમ્પલમાં શીખ, મુસ્લિમ અને પાકિસ્તાની અમેરિકન સમુદાયના સભ્યો પણ ઉજવણીમાં જોડાયા હતા. 2,500થી વધુ લોકો  કાર્યક્રમમાં જોડાયા હતા. નાસ્ડેકની સ્ક્રીન પર રામ મંદિરની તસવીરો પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.

ગ્રેટર હ્યુસ્ટનના હિંદુઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં, ભગવાન રામ સંસ્કૃતિનો ભાગ છે તેવા વિવિધ દેશોના સભ્યોને સત્કાર કરાયો હતો. લોસ એન્જલસમાં 1,000 લોકો કાર રેલીમાં જોડાયા હતા. રેલીમાં 250 જેટલી કારોએ ભાગ લીધો હતો.

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પછી તરત જ, વિશ્વ હિન્દુ પરિષદ ઑફ અમેરિકા (VHPA) અને કેનેડાની વિશ્વ હિન્દુ પરિષદે બંને દેશોમાં 1,000થી વધુ મંદિરોની મુલાકાત લેવા માટે રામ મંદિર યાત્રાની જાહેરાત કરી હતી.VHP અમેરિકાના જણાવ્યા અનુસાર આ મહાયાત્રા 25 માર્ચે બિલેરિકા, મેસેચ્યુસેટ્સના ઓમ હિંદુ સેન્ટરથી શરૂ થશે, જેમાં શ્રી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની મૂર્તિઓ સાથે વિશિષ્ટ રીતે શણગારેલી વાન હશે. આ યાત્રાનો હેતુ પ્રસાદ અને અક્ષત પહોંચાડવાનો છે. આ મહત્વાકાંક્ષી કાર્ય 45 દિવસમાં પૂર્ણ થવાનું છે, જેમાં યુએસએ અને કેનેડાના સમગ્ર વિસ્તારનો સમાવેશ થાય છે.

ત્રિનિદાદ અને ટોબેગોમાં હજારો લોકો પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભજનોના એક ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી.રવિવારના રોજ થયેલી ઉજવણીમાં 5,000થી વધુ લોકોએ હાજરી આપી હતી

ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં લાઇવ સ્ટ્રીમિંગના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં ભારતીયો એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં ભારતીય હાઈ કમિશનર અને તેમના કેટલાક સાથીદારોએ હાજરી આપી હતી. યુનાઇટેડ કિંગડમમાં, કાર રેલી, સમુદાયની ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમોના કાર્યક્રમો યોજાયા હતા.

 

 

LEAVE A REPLY

three + 11 =