ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં જો બિડેનને પાર્ટીના પ્રેસિડેન્ટપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યાં બાલ્ટીમોર સિટી કાઉન્સિલના પ્રેસિડેન્ટ અને મેયર પદના ઉમેદવાર બ્રેન્ડન સ્કોટ અને ભારતીય અમેરિકન વિદ્યાર્થિનીએ મેરિલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ કન્વેન્શન દરમિયાન સ્કોટે પબ્લિક સ્કૂલ્સ અને ઐતિહાસિત બ્લેક કોલેજીસ તથા યુનિવર્સિટીઝમાં ભંડોળ વધારવાના બિડેનના આયોજનની પ્રશંસા કરી હતી.

એક મીડિયા રીપોર્ટ મુજબ સ્કોટની સાથે બિડેનની ડેલિગેટ અને કોલેજની વિદ્યાર્થિની બિયાંકા શાહ પણ જોડાઇ હતી. બિયાંકાએ જણાવ્યું હતું કે, જો બિડેન આપણા મધ્યમ વર્ગનું પુનઃ નિર્માણ કરી રહ્યા છે ત્યારે તેઓ કોઇને પાછળ રાખવા ઇચ્છતા નથી. બિડેન વંશીય ભેદભાવ નાથવા માટે કાર્ય કરશે. સ્કોટે જાહેરાત કરી હતી કે, મેરિલેન્ડ એક મત બર્ની સેન્ડર્સને અને 119 મત બિડેનને આપશે.

સ્કોટે ટ્વિટર પર જણાવ્યું હતું કે, દેશને ફરીથી સામાન્ય બનાવવા માટે ચૂંટણી એક પ્રક્રિયા છે અને આ કન્વેન્શન તે માટેનું એક મહત્ત્વનું પગલું છે. હેરિયેટ ટબમેન અને ફ્રેડરિક ડગ્લાસ જેવા મહાન મેરિલેન્ડવાસીઓને હું યાદ કરીશ અને જો બિડેનને અમેરિકાના નવા પ્રેસિડેન્ટ બનાવવા માટે ડેલિગેટ્સ મોકલીશ. ટબમેન, અમેરિકન રાજકીય કાર્યકર હતા અને ગુલામીની વ્યવસ્થામાં જન્મ્યા હતા. પછી તેમણે છટકીને પરિવાર અને મિત્રો સહિતના અંદાજે 70 ગુલામ લોકોને બચાવવા કેટલાક અભિયાનો હાથ ધર્યા હતા.