પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ન્યૂયોર્કમાં હેડક્વાર્ટર ધરાવતી મોર્ગેજ કંપની બેટરડોટકોમના ભારતીય મૂળના સીઈઓ વિશાલ ગર્ગે ક્રિસમસના તહેવારો પહેલા ઝૂમ કોલ પર કંપનીના 900 કર્મચારીઓની એક સાથે હકાલપટ્ટી કરી દીધા બાદ ચારે તરફથી તેમના પર ટીકાનો વરસાદ થયો હતો. આખરે વિશાલ ગર્ગે પોતાની આ હરકત પર માફી માંગી છે અને કર્મચારીઓને પત્ર લખીને કહ્યુ છે કે, તમને છુટા કરવા માટે જે પણ રસ્તો મેં અપનાવ્યો હતો તે ચોક્કસ ખોટો હતો.

સીઈઓ ગર્ગે કહ્યું હતું કે, મારાથી મોટી ભૂલ થઈ છે અને મેં જે રસ્તો અપનાવ્યો હતો તે ખોટો હતો. કંપનીમાં પોતાનુ અમૂલ્ય યોગદાન આપનારા કર્મચારીઓ માટે યોગ્ય સન્માન વ્યક્ત કરવામાં અને તેમનો આભાર માનવામાં હું નિષ્ફળ રહ્યો છું. કર્મચારીઓને છુટા કરવાના મારા નિર્ણય પર જોકે હું કાયમ છું પણ આ નિર્ણયનો જે રીતે મેં અમલ કર્યો તે ખોટો હતો. આવુ કરીને મે તમને શરમજનક સ્થિતિમાં મુકયા છે અને મને આ વાતનો અહેસાસ થયો છે.
ઉલ્લેખનીય છે કે, વિશાલ ગર્ગે તાજેતરમાં ઝૂમ કોલ પર કર્મચારીઓની મિટિંગ બોલાવી હતી અને એક સાથે 900 કર્મચારીઓને કહ્યું હતું કે, તમને છુટા કરવામાં આવે છે.માત્ર ત્રણ મિનિટના વિડિયો કોલમાં વિશાલ વર્ગે પોતાનો નિર્ણય કર્મચારીઓ સમક્ષ જાહેર કર્યો હતો.જે અંગે કર્મચારીઓને અગાઉથી કોઈ જાણકારી પણ નહોતી.