કોવિડ-19ના કારણે આર્થિક તંગીનો ભોગ બનેલા ભાડુઆતોને ઘર ખાલી કરાવવા માટેના એવીક્શન પરનો પ્રતિબંધ વધુ ચાર અઠવાડિયા સુધી ચાલુ રાખવામાં આવ્યો છે. જે સાથે એવીક્શન પરનો કુલ પ્રતિબંધ 6 મહિનાનો થયો છે. બીજી તરફ નવો છ મહિનાનો નોટિસ પિરિયડ આપવાનો સમયગાળો પણ વધારવામાં આવ્યો હતો. જે હવે ઓછામાં ઓછુ 31 માર્ચ 2021 સુધી રહેશે. એકવાર એવિક્શન નોટીસની સુનાવણી શરૂ થઇ જશે પછી ન્યાયતંત્ર અસામાજિક વર્તન અને ઘરેલું દુર્વ્યવહાર સહિતના ગંભીર કિસ્સાઓને કાળજીપૂર્વક પ્રાધાન્ય આપશે.

હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેન્રીકે શુક્રવાર તા. 21 ઑગસ્ટના રોજ આ અંગે ઘોષણા કરી હતી. સરકાર શિયાળા દરમિયાન ભાડૂતોને વધુ સુરક્ષા આપવાનો પણ ઇરાદો રાખે છે અને પબ્લિક હેલ્થ એડવાઇઝની માર્ગદર્શિકા બાદ આ પગલાંની સમીક્ષા કરાશે.

રોગચાળા દરમિયાન ભાડુતોને ટેકો આપવા સરકારે અભૂતપૂર્વ પગલા લીધા છે જે લોકોને આર્થિક મુશ્કેલીમાં મુકતા અટકાવે છે અને ઉદ્યોગોને પગાર ચૂકવવામાં મદદ કરે છે. સ્વતંત્ર સંશોધન મુજબ 87% ભાડુતોએ રોગચાળા બાદ પણ સંપૂર્ણ ભાડુ ચૂકવવું ચાલુ રાખ્યું છે જ્યારે 8% લોકોએ તેમના મકાનમાલિકોની ભાડુ ઘટાડવા સંમતિ મેળવી હતી.