લેસ્ટરના ઓડબીમાં ગાર્ટ્રી રોડ પર ધ ઇયર ક્લિનીક નામનુ ખાનગી ક્લિનીક ધરાવતા ઑડિઓલોજિસ્ટ ડો. નીલ રાયઠઠ્ઠા પોતાના પેશન્ટના કાનમાંથી મેલ એટલે કે ઇયર વેક્સ કાઢતા વિડીયો યુટ્યુબ પર મૂકીને લોકપ્રિય થયા છે. તેમના લોકપ્રિય થયેલા યુ ટ્યુબ વિડીયો જોનારા લોકોની સંખ્યા 120 મીલીયન થઇ ગઇ છે અને તેમના યુટ્યુબ સબસ્ક્રાઇબરની સંખ્યા 155,000 થઇ છે. તેમનો એક વિડીયો તો 13 મિલીયન લોકોએ જોયો છે.

ડો. નીલ રાયઠઠ્ઠા આકા ધ વેક્સ વ્હિસ્પરરના કાનમાંથી વેક્સ કાઢવાના અમુક વિડીયો જુઓ તો તમને ચિતરી ચઢે પણ સાથે સાથે આંચકો પણ લાગે કે શું આપણા કાનમાં આટલો બધો વેક્સ જમા થઇ શકે ખરો? જો વેક્સ ન કાઢવામાં આવે તે શુ થાય?

ગરવી ગુજરાતને માહિતી આપતા ડો. નીલે જણાવ્યુ હતુ કે ‘’મોટાભાગના લોકોમાં કાન સામાન્ય રીતે જાતે જ સફાઈ કરી લે છે. આ ઉપરાંત ખાતી વખતે કે બગાસુ ખાતા થતી જડબાના હલનચલનને કારણે કુદરતી રીતે કાનનો મેલ નીકળી જાય છે. પણ આ કુદરતી રચનામાં ખામી સર્જાતા ઇયર વેક્સ વધીને જામી જાય છે. હીયરીંગ એઇડ્સ અથવા ઇયરબડ્સ વાપરવાથી ઇયરવેક્સ કાનમાં ઉંડે સુધી જાય છે. કોટન બડ્સ તો કદી પણ વાપરવા જોઇએ નહિ.

ફાર્મસીમાંથી ખરીદેલ ઓલિવ ઓઇલ – ઇયરવેક્સના ટીપાંનો નિયમિત ઉપયોગ કરવાથી પણ મદદ થાય છે. ઓલિવ તેલ ઇયરવેક્સના નાના ટુકડાને નરમ પાડી તે જામે તે પહેલા આપોઆપ તેને કુદરતી રીતે કાનમાંથી બહાર કાઢી દે છે. જો તમારા કાનના પડદામાં છિદ્ર હોય કે ગ્રોમેટ હોય તો ઇયરવેક્સ ટીપાં નાંખવાની ભલામણ કરવામાં આવતી નથી. નહાતી વખતે પણ કાનમાં પાણી નાંખવુ જોઇએ નહિ. કારણ કે તેનાથી કાનમાં ચેપ લાગે છે. બની શકે તો કાનના ડોક્ટરની સલાહ જ લેવી જોઇએ.

તેમના વિડીયો જોયા પછી છેક સાઉદી અરેબીયા, જર્મની અને ફ્રાન્સથી દર્દીઓ વેક્સ કઢાવવા આવ્યા છે. તેમણે એક દર્દીના કાનમાંથી કાંસકાનો દાંતો કાઢ્યા હતો તો બીજાના કાનમાંથી હિયરિંગ એઇડના 22 ફિલ્ટર્સ કાઢ્યા હતા. તો એકના કાનમાં ઇયરીંગ જતી રહી હતી.

તેમણે જાતે જ આઇ-ક્લીયરસ્કોપ નામનો નાનો માઇક્રોસ્કોપિક કેમેરા જાતે જ વિકસિત કર્યો છે. જેને એપ્લિકેશન દ્વારા આઇફોન સાથે જોડી તેઓ કાનની અંદર શું ચાલી રહ્યું છે તેની સ્પષ્ટ છબી પ્રોજેક્ટ કરે છે. તેઓ કહે છે કે હું લોકોને શિક્ષિત કરવા માટે આ વિડીયો ફૂટેજ અપલોડ કરૂ છુ.