કેનેડિયન પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, કેનેડા માટે ભારત સાથે સંબંધોનું નિર્માણ કરવું અને ‘સાથે મળીને કામ કરવું’ ખૂબ મહત્વનું છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ના કમિશનર માઇક ડુહેમે ગુરુવારે ઓટ્ટાવામાં મીડિયાને જણાવ્યું હતું કે, ‘ભારત સાથે સંબંધોનું નિર્માણ કરવું મહત્વપૂર્ણ છે.’
સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ ડુહેમે વધુમાં જણાવ્યું હતું કે, ‘આપણે બધા એક જ બાબત ઇચ્છીએ છીએ. આપણે પોતાના દેશમાં ત્રાસવાદી કૃત્યોનો સામનો કરી રહ્યા છીએ. અને અમે ઇચ્છીએ છીએ કે આપણે સાથે મળીને કામ કરીને આવા લોકોને ઓળખીએ.’ ડુહેમને RCMP દ્વારા કેનેડામાં ભારત સાથે જોડાયેલી હિંસક ગુનાઇત પ્રવૃત્તિની થઇ રહેલી તપાસ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે જવાબ આપ્યો હતો કે, ‘તે મુદ્દો કોર્ટમાં હોવાથી હું તેની ચર્ચા કરીશ નહીં અને તે કોર્ટમાં આગળ વધી રહ્યો છે.’ ડુહેમે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ સપ્ટેમ્બરમાં નેશલન સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ એડવાઇઝર (NSIA) નાથાલી જી ડ્રોઈન સાથે ભારતની મુલાકાતે ગયા હતા.












